વડોદરાઃ તૃષા સોલંકી મર્ડર કેસની તપાસ 6 દિવસમાં પુરી કરી દેવામાં આવી છે તેમજ  આજે 1000 પેજની ચાર્જશીટ રજૂ કરાશે. બનાવની રાત્રે જ હત્યારા કલ્પેશ ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી હતી. 3 દિવસના રિમાન્ડ બાદ હત્યારાને જેલમાં ધકેલાયો હતો. શહેર પોલીસ તંત્રના ઇતિહાસમાં સૌથી ઝડપી ચાર્જશીટ તૈયાર કરાઈ.


વડોદરામાં તૃષા સોલંકીની કરપીણ  હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ 7 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરશે. FSL રિપોર્ટ આવ્યા બાદ તુરંત જ ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ દાખલ કરશે. વડોદરા પોલીસે અત્યાર સુધી કોઇપણ કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી નથી. તૃષા સોલંકીની હત્યા કેસ પહેલો કેસ બનશે, જેમાં ક્રાઈમ બ્રાન્ચ 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે.


વડોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા કલ્પેશ ઠાકોરે તૃષા સોલંકીની કરપીણ હત્યા કરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ કાલે આરોપી કલ્પેશને લઈ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરી જરૂરી પુરાવાઓ મેળવ્યા.  વડોદરામાં નેશનલ હાઇવે નજીક જામ્બુવા લેન્ડ ફિલ્ડ સાઈટ પાસે અવાવરૂ જગ્યાએ 19 વર્ષની તૃષા સોલંકીની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં ક્રાઈમ બ્રાન્ચે એકતરફી પ્રેમમાં પાગલ કલ્પેશ ઠાકોરની હત્યા કેસમાં ધરપકડ કરી. પોલીસે આરોપી કલપેશને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે ગઈ કાલે આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી, જ્યાં પોલીસે આરોપી કલ્પેશ તેના મિત્ર દક્ષેશ સાથે બાઈક લઈને હાઇવે પર જે સ્થળે ઊભો રહ્યો અને જ્યાં તૃષાની હત્યા કરી તે સ્થળ સુધી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું. પોલીસે આરોપી કલ્પેશની સ્થળ પર જ પૂછપરછ કરી કે કઈ રીતે તૃષા પર સૌપ્રથમ હુમલો કર્યો.


ક્રાઈમ બ્રાન્ચે આરોપી કલ્પેશ ઠાકોરની ધરપકડ કરી તેના ઘરે અને દુકાન પર પણ લઈ ગઈ હતી, જ્યાં પોલીસે આરોપી પાસેથી પાડીયું, કપડાં, બાઈક અને તૃષાનો ફોન કબ્જે કર્યો. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ કહ્યું કે આરોપી કલ્પેશ ઠાકોર ઝનૂની સ્વભાવનો છે પણ હવે તે અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. પોલીસે આરોપીની પુછપરછ કરી વિવિધ પુરાવાઓ પણ ભેગા કર્યા. મહત્વની વાત છે કે આરોપી કલ્પેશ ઠાકોરે એકતરફી પ્રેમમાં પાગલ તૃષાની હત્યા કરતાં લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે સાથે જ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસ પણ આરોપીને વહેલી તકે સજા મળે તે માટે વહેલીતકે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવાની છે.