Vadodara: વડોદરાના કોયલીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર કલાકોની જેહમત બાદ આજે વહેલી સવારે કાબૂ મેળવાયો હતો. હાલ IOCLમાં કૂલિંગની કામગીરી શરૂ કરાઇ હતી. કોયલીની IOCLમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં બેના મોત થયા છે. શૈલેષ મકવાણા અને ધીમંત મકવાણા નામના વ્યક્તિનું મોત થયું છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલિન ચૌધરી વડોદરા પહોંચ્યા હતા. નલિન ચૌધરી રિફાઈનરીમાં આગ લાગવાનો રિપોર્ટ તૈયાર કરશે.
સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં મકાનના કાચ તૂટ્યા હોવાની ચર્ચા છે. સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ઘટના બની હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે નંદેશરી, ભરૂચ, અંકલેશ્વર સહિત આસપાસની કંપનીઓના ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. જો કે આ આગ પર પાંચ કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા કોન્ટ્રાક્ટના કર્મચારી ધીમંત મકવાણાનું સારવાર સમયે મોત નિપજ્યું હતું. જો કે આગ પર કાબૂ મેળવાયા બાદ મોડી સાંજે બીજો બ્લાસ્ટ થયો હતો. જેને લઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. બાદમાં અમદાવાદ, આણંદ સહિતના ફાયર સ્ટેશનમાં પણ જાણ કરાઈ હતી અને 35થી વધુ ફાયરની ગાડીઓ કામે લગાડવામાં આવી હતી.
સાથે જ આગના કારણે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. એટલે કે બીજા બ્લાસ્ટ બાદ શેલૈષ મકવાણાએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ફાયર વિભાગના ત્રણ કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તો આ તરફ કંપનીએ પણ લેખિતમાં નિવેદન જાહેર કર્યું હતું. જેમાં દાવો કર્યો હતો કે આગ લાગવાના સ્થળે તમામ સેફ્ટી-સુરક્ષા કર્મચારીઓ હતા. સાથે જ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયુ ન હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.
IOCLમાં આગની ઘટના બાદ આજે રિફાઈનરી બહાર મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા. કામગીરી પૂર્વવત છે કે બંધ તે અંગે કામદારોને કોઈ માહિતી નહીં. પ્રત્યક્ષદર્શીએ એબીપી અસ્મિતા પર કહ્યું હતું કે પ્રચંડ ધડાકો થયા બાદ સુપરવાઈઝરે અમને એક સ્થળે ખસેડ્યા હતા. આગને લીધે આસપાસમાં ફાયરનું સાયરન સંભળાતુ હતું. આગ વિકરાળ બનતા એક બાદ એક કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. IOCL ફેકટરીમાં અંદાજે દસ હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.