વડોદરા: દિલ્હી એઈમ્સના ડોક્ટરે વડોદરાની યુવતી સાથે લગ્નગ્રંથીથી જોડાયા બાદ દહેજમાં રોકડ રકમ મેળવી હોવા છતાં પણ વધુ રકમ મેળવવા તેમજ યુવતીના મિત્રો અંગે ગેરસમજ ઉભી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો જેના કારણે યુવતીએ લગ્નના છ મહિનામાં જ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. (આ તમામ તસવીરો પ્રતિકાત્મક છે)


ભાયલી રોડ પર રહેતી યુવતી હોટલમાં નોકરી કરે છે. તેણે લગ્ન માટે સપ્ટેમ્બર 2018માં શાદી.કોમ પર પ્રોફાઈલ બનાવીને માતાનો મોબાઈલ નંબર લખ્યો હતો. થોડા દિવસ બાદ હરિયાણાના ફરીદાબાદના મુળ સી.એમ.મેથ્યુનો ફોન આવ્યો હતો અને પોતે દિલ્હીથી બોલે છે તેમ કહીને મારો પુત્ર લીઝો એઈમ્સમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને પોતાનું ક્લિનિક પણ ચલાવે છે. આ ઉપરાંત મારા પત્ની પણ એઈમ્સ હોસ્પિટલમાં નોકરી કરે છે. અમારી માલિકીના ત્રણ ફ્લેટ છે જેથી દહેજમાં કશું જોઈતું નથી તેમ કહી પુત્રના લગ્નની વાત કરી હતી.

થોડા દિવસ બાદ લીઝો અને તેના માતા-પિતા વડોદરા આવ્યા હતા ત્યાર બાદ વડોદરાની યુવતીના માતા-પિતા પણ ફરીદાબાદ ગયા હતાં. યુવક અને યુવતીએ 30 ડિસેમ્બર 2018ના રોજ ફરીદાબાદ ખાતે સેન્ટ મેરી ચર્ચમાં લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ દિવસ બાદ યુવતી તેના પતિ લીઝો સાથે વડોદરા આવ્યો હતો ત્યાર બાદ સગાઈનો વીડિયો ઘરના સભ્યોએ સાથે બેસીને જોયો હતો. જોકે લીઝોએ લેપટોપમાં વીડિયો કોપી કરવા લીધો હતો.

ત્યારે લેપટોપમાં અલગ-અલગ ફોલ્ડર ખોલી યુવતીના મિત્રો સાથેના ફોટો શોધી કાઢ્યા હતાં. જોકે સાંજે લેપટોપ લઈને લીઝોએ તેમાંથી ફોટો બતાવી આ કોણ છે તેમ કહેતા યુવતીએ મારી ટ્રેનિંગ સમયનો મિત્ર છે તેવો જવાબ આપતાં જ લીઝોએ લાફો મારી દીધો હતો. ત્યાર બાદ મિત્રો અંગે શંકા વ્યક્ત કરી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.

10 જાન્યુઆરીએ દિલ્હીથી સિંગાપુર હનીમુન માટે જવાનું હોવાથી ફ્લાઈટમાં કોલકત્તા ગયા હતા ત્યારે સીંગાપુર જવા માટે યુવતીનો પાસપોર્ટ ફાટી ગયો હોવાથી ઈમીગ્રેશનમાંથી ક્લિયરન્સ થયું ન હતું જેથી સીંગાપુર જવાનું કેન્સલ થતાં લીઝોએ તારા કારણે મને બે લાખનું નુકશાન થયું છે આ પૈસા તારા પિતાએ આપવા પડશે તેમ કહી માનસિક ત્રાસ આપતો હતો.

પતિનો ત્રાસ અસહ્ય થઈ જતાં આખરે યુવતી માર્ચ મહિનામાં વડોદરા પોતાના ઘરે આવી ગઈ હતી અને ચાર દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આખરે યુવતીએ ડોક્ટર પતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.