વડોદરાઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. રૂપાણી બોલતાં બોલતાં અચાનક રોકાયા હતા ને ચાલુ ભાષણ દરમિયાન જતેમને ચક્કર આવતાં તે લથડીને નીચે પડવા લાગ્યા હતા પણ તેમના એક સીક્યુરિટી જવાને ભારે સતર્કતા બતાવીને તેમને નીચે પડવા નહોતા દીધા.


રૂપાણીને સ્ટેજ પર જ સારવાર આપવામાં આવતાં થોડીક મિનિટોમાં તે સ્વસ્થ થઈ ગયા હતા અને સ્ટેજ પર ખુરશીમાં બેઠા હતા. એ પછી તે પોતે ચાલીને કારમાં બેઠા હતા ને અમદાવાદ જવા રવાના થયા હતા.

મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા પછી ભાજપ દ્વારા કહેવાયું હતું કે, કોઈ અફવા પર ધ્યાન ન આપશો. મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. ડોક્ટરે સારવાર આપતાં સ્વસ્થ થયા છે. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા તેના કારણે થાક અને તણાવના કારણે બીપી લૉ થયું હોવાની શક્યતા છે. રૂપાણીને શનિવારે પણ તાવ હતો ને ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હતી પણ રૂપાણી તેમની સલાહને અવગણીને પ્રચારમાં નિકળ્યા હતા એવું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણી વડોદરા એરપોર્ટથી તરત જ અમદાવાદ આવવા રવાના થયા હતા. તેમની અમદાવાદની યુ.એન.મહેતામાં તબીબી તપાસ કરવામાં આવે એ માટે હોસ્પિટલમાં ડોકટરોની ટીમને તૈયાર રાખવામાં આવી હતી.