વડોદરાઃ મૂળ સૌરાષ્ટ્રના પણ વડોદરામાં રહેતા 32 વર્ષના પરીણિત યુવાનને બ્રેઈન ડેડ જાહેર કરાતા તેનાં પત્નિએ   યુવકના અંગોનું દાન કરવાનો પ્રસંશનિય નિર્ણય લીધો હતો. આ નિર્ણયના કારણે  ચાર લોકોનુ જીવન બચશે જ્યારે બે અંધને આંખો મળશે. વાસણા-ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા 32 વર્ષના પરિણીત યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તેની પત્ની અને પરિવારે લીધેલા નિર્ણયની પ્રસંશા થઈ રહી છે. આ નિર્ણય લેનારી યુવકની પત્નિ કાજલ વાચ્છાણી એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.


અંગદાન માટે પ્રેરણા આપનારાં ડો.દીપાલી તિવારીએ કહ્યું હતુ કે, સૂરજનું હૃદય અને બે કિડની ગ્રીન કોરીડોર કરીને અમદાવાદ મોકલવામાં આવશે. લિવર સુરતના એક દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાશે જ્યારે બે આંખો વડોદરાના જ બે અલગ અલગ પ્રજ્ઞાાચક્ષુઓને લગાવવામાં આવશે.


મૂળ સૌરાષ્ટ્રના ઉપલેટા નજીક આવેલા ઢાંક ગામનો 32 વર્ષનો યુવક સૂરજ વાચ્છાણી દહેજ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મંગળવારે નાઇટ શિફ્ટ પુરી કરીને સૂરજ બુધવારે સવારે વડોદરા દહેજ વચ્ચે ફેરા કરતી ઇકો કારમાં વડોદરા પરત આવી રહ્યો હતો. નાઇટ શિફ્ટમાં ઉજાગરો હોવાથી સૂરજ કારની પાછળની સીટ પર ઊંઘી રહ્યો હતો. દરમિયાનમાં વડોદરા નજીક નેશનલ હાઇવે પર એક પૂર ઝડપે આવી રહેલી ટ્રકે ઇનોવા કારને ટક્કર મારતાં ઇનોવા કાર ઇકો કારની પાછળ ઘૂસી ગઇ હતી.


આ અકસ્માતમાં ઇકો કારમાં પાછળ ઊંઘી રહેલા સૂરજને માથામાં ગંભીર ઇજાઓ થતાં મકરપુરાની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. ડોક્ટરોએ સૂરજને બ્રેઈન ડેડ જાહેર કરીને તેનાં અંગોથી બીજાં લોકોની જીંજગી બચી શકે એવો અભિપ્રાય આપતાં  સૂરજની પત્ની કાજલે સૂરજનાં માતા પિતાની સહમતિથી અંગદાનનો નિર્ણય લીધો હતો.


કાજલનું કહેવું છે કે, સૂરજના નિધનથી અમે અમારા પરિવારનો આધાર ગુમાવ્યો છે પણ સૂરજના અંગોથી છ લોકોને જીવન મળશે અને તેમના પરિવારોમાં ખુશી આવશે એવું વિચારીને  ઓર્ગન ડોનેશન માટેને વડોદરાના કોર્ડિનેટર એવા રેલવે હોસ્પિટલના ડો.દીપાલી તિવારીએ અમને સમજણ અને હિમ્મત આપતાં અમે આ નિર્ણય લીધો છે.