વડોદરાઃ અલકાપુરી વિસ્તારમાં બોમ્બે શોપિંગ સેન્ટર પાસે એક યુવાને પોતાની કારને જાતે જ આગ સળગાવી દેતાં ભારે દોડધામ મચી ગઈ હતી. કાર સળગતાં જ લોકોના ટોળું એકઠું થઈ ગયું હતું. ત્યાર બાદ તાત્કાલિક જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહત્વી વાત એ કે, કારને આગ લગાડનારો યુવક અમદાવાદના ચાંદખેડાનો રહેવાસી છે અને આઈટી એન્જિનિયરમાં ફરજ બજાવે છે તેવું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, મંગળવારે ચાંદખેડા વિસ્તારમાં રહેતો ગૌરવ સુભાષચંદ્ર વર્માએ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર પાસે પોતાની હોન્ડા સીટી કાર પાર્ક કરી હતી. થોડા સમય બાદ તે કાર પાસે આવ્યો હતો અને જાતે જ પોતાની કારને સળગાવી નાખી હતી. કારમાં આગ લાગતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

અંગત કારણોસર યુવકે પોતાની કાર સળગાવી હોવાનું સામ આવ્યું છે જોકે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કારમાં આગ લગાડનારા યુવકે પોલીસ સાથે પણ ઘણાં સમયસુધી માથાકૂટ કરી હતી. અંતે પોલીસ તેને રીક્ષામાં બેસાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ આવી હતી.