દાહોદઃ ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલના અકસ્માતમાં થયેલા મોતના મામલે નવો વળાંક આવ્યો છે. તેમના પુત્ર દ્વારા અકસ્માતમાં મોત નહીં, પરંતુ તેમની હત્યા કરી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજકીય અદાવત રાખી હત્યા કરવાનો તેમના પુત્રે આક્ષેપ લગાવ્યો છે.


નગર સેવક હિરેન પટેલને ઈરાદા પૂર્વક વાહનની ટકકર મારી હત્યા કરવાનો આક્ષેપ લગાવ્યો છે. પુત્ર પંથ હિરેન પટેલે ઝાલોદ પોલીસે સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, હિરેન પટેલનું અજણાયા વાહનની ટકકરે મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વહેલી સવારે મોર્નિગ વોકમાં નીકળેલા હિરેન પટેલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું છે. આ ઘટના અંગે પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી છે. કાઉન્સિલરના મોતથી ઝાલોદમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. હિરેન પટેલ ઝાલોદ પાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સમાજિક અને રાજકીય આગેવાન હતા.

પોતાના મુવાડાનાકા સ્થિત ઘરેથી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલને રસ્તા પર પરિચિત વ્યક્તિએ ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીમાં પડેલા જોયા હતા, જેથી તેમણે તરત જ તેમના પરિવારજનોને જાણ કરી દીધી હતી.

હિરેન પટેલને પહેલા ઝાલોદની સુન્દરમ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઇ જવાયા હતા. આ પછી તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રેફર કરાયા હતા. જોકે, તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું.