Manipur Violence: મણિપુરમાં શનિવાર (27 જાન્યુઆરી)ના રોજ બે સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે જણાવ્યું કે આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકપી જિલ્લાની પૂર્વ સરહદની વચ્ચે સ્થિત એક સ્થળે બની હતી.


 ઘાયલ લોકોને સારવાર માટે ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના બાદ સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચ્યા, ત્યારબાદ બંને બળવાખોર જૂથો પાછળ હટી ગયા. એનડીટીવીના અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘાયલ લોકોમાંથી એકને તેના ચહેરા પર છરો લાગ્યો હતો.  જ્યારે બીજાને તેની જાંઘમાં ઈજા થઈ હતી.


 મણિપુર આઠ મહિના પછી પણ હિંસામાંથી બહાર આવ્યું નથી


નોંધનીય છે કે, જમીન, પ્રાકૃતિક સંસાધનો અને રાજકીય પ્રતિનિધિત્વ અંગેના મતભેદોને લઈને મે 2023માં શરૂ થયેલી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચેની જાતિય હિંસામાંથી મણિપુર હજુ સુધી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી. વિપક્ષ રાજ્ય અને કેન્દ્ર સરકારો પર નિશાન સાધે છે કે 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોની હાજરી છતાં આઠ મહિના પછી પણ મણિપુર સંકટ કેમ સમાપ્ત થયું નથી.


ITLFએ કરી સાર્વજનિક ચર્ચા


દરમિયાન, ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ચુરાચંદપુરમાં એક જાહેર પરામર્શ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેના આંદોલનને આગળ લઈ જવાની રીતો પર ચર્ચા કરી હતી. ITLFએ જણાવ્યું હતું કે, ચર્ચામાં મણિપુર પર કાર્યવાહી કરવા માટે કેન્દ્ર પર દબાણ કેવી રીતે બનાવવું, ઓપરેશન સસ્પેન્શન (SoS) ની સ્થિતિ, તેની ચળવળને કેવી રીતે મજબૂત કરવી અને 10 કુકી ધારાસભ્યોએ શું કરવું તેનો સમાવેશ થાય છે.


ઓપરેશનનું સસ્પેન્શન શું છે?


નોંધનિય છે કે, સસ્પેન્શન ઓફ ઓપરેશન એ 25 કુકી વિદ્રોહી જૂથો, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હસ્તાક્ષર કરાયેલ ત્રિપક્ષીય સમજૂતી છે, જેના નિયમોમાં બળવાખોરોને કેમ્પમાં રાખવા અને તેમના હથિયારોને સ્ટોરેજમાં રાખવાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે મે મહિનામાં હિંસા ફાટી નીકળી ત્યારથી, ઘણા SOS શિબિરોમાં રાખવામાં આવેલા હથિયારોની સંખ્યામાં ઘટાડો થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.