Bangladesh Protest:બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ વધુને વધુ હિંસક બની રહ્યો છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ અને સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
શેખ હસીનાના પ્રેસ સચિવ નઈમુલ ઈસ્લામ ખાને શુક્રવારે (19 જુલાઈ 2024) બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે, કર્ફ્યુ સંબંધિત સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. બીજી તરફ, બાંગ્લાદેશી મીડિયા અનુસાર, શુક્રવારે પોલીસે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
વિરોધ ગયા મહિનાના અંતમાં શરૂ થયો હતો પરંતુ હિંસક ન હતો. જો કે, આ વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે મામલો વધી ગયો. ગયા સોમવારે, ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પોલીસ અને સત્તાધારી અવામી લીગ દ્વારા સમર્થિત વિદ્યાર્થી સંગઠન સાથે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.
બાંગ્લાદેશમાં બીજા દિવસે પણ હિંસા ચાલુ રહી અને ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા. બુધવાર અને ગુરુવારે વધુ અથડામણો ફાટી નીકળી હતી અને અર્ધલશ્કરી દળોને મુખ્ય શહેરોની શેરીઓમાં પેટ્રોલિંગ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. ગુરુવારે ઓછામાં ઓછા 19 વધુ લોકોના મોત થયા હતા. આ હિંસક આંદોલનને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિરોધના પ્રતિભાવમાં, મુખ્ય યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી તેમના કેમ્પસ બંધ કરી દીધા છે.
ઢાકામાં અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી
રોઇટર્સના અહેવાલ મુજબ પોલીસે કેટલાક વિસ્તારોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. એક સ્થાનિક પત્રકારે જણાવ્યું કે રાજધાની ઢાકામાં ઘણી જગ્યાએ છત પરથી આગની જ્વાળાઓ જોવા મળી હતી. જેના કારણે વાતાવરણ ધુમાડામય બની ગયું હતું. વિરોધ વચ્ચે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. ઘણી ન્યૂઝ ચેનલો પણ બંધ કરી દેવામાં આવી છે.
મૃત્યુઆંકમાં સતત વધારો
બંગાળી અખબાર પ્રથમ આલોએ અહેવાલ આપ્યો છે કે, વિરોધીઓએ રસ્તાઓ અવરોધિત કર્યા અને સુરક્ષા અધિકારીઓ પર ઇંટો ફેંકવાના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ગુરુવારે બાંગ્લાદેશના 64માંથી 47 જિલ્લામાં હિંસામાં 27 લોકોના મોત થયા હતા અને 1,500 લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલોને ટાંકીને, એએફપીએ અલગથી જણાવ્યું હતું કે, શુક્રવાર રાતના વિરોધ પ્રદર્શનમાં મૃત્યુની કુલ સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. જોકે પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી.
અમેરિકન એમ્બેસીનું કહેવું છે કે- પરિસ્થિતિ ઘણી અસ્થિર છે
આ પ્રદર્શનની વચ્ચે, ઢાકામાં યુએસ એમ્બેસીએ કહ્યું કે અહેવાલો દર્શાવે છે કે બાંગ્લાદેશમાં 40 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો ઘાયલ થયા છે. ઢાકામાં વિરોધ પ્રસરી રહ્યો છે અને હિંસક અથડામણો થઈ રહી છે. પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે.
યુરોપિયન યુનિયને જાન-માલના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી
આંતરરાષ્ટ્રીય અધિકાર જૂથોએ સેવાઓ સ્થગિત કરવાની અને સુરક્ષા દળોની કાર્યવાહીની ટીકા કરી છે. યુરોપિયન યુનિયનએ કહ્યું કે, તે હિંસા અને જાન-માલના નુકસાનથી ખૂબ જ ચિંતિત છે. EU એ કહ્યું, "વધુ હિંસા અટકાવવી અને કાયદાના શાસન અને લોકશાહી સ્વતંત્રતાઓના આધારે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવો મહત્વપૂર્ણ છે."
ભારતે કહ્યું- આ બાંગ્લાદેશનો આંતરિક મામલો છે
ભારતનું કહેવું છે કેઅશાંતિ બાંગ્લાદેશનો આંતરિક મામલો છે. જ્યાં સુધી ભારતીયોની વાત છે, તમામ 15,000 ભારતીયો બાંગ્લાદેશમાં સુરક્ષિત છે. બાંગ્લાદેશમાં અભ્યાસ કરતા ભારતીયો રોડ માર્ગે પરત ફરી રહ્યા છે.