ગાંધીનગર: પબ્લિક યુનિવર્સિટી એકટ અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પબ્લિક યુનિવર્સિટી એકટની અમલવારીથી યુનિવર્સિટીની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે, 11 સરકારી યુનિવર્સિટીઓની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે, ઉલ્લેખનિય છે કે, અધ્યાપકો અને આચાર્યોની ભરતીમાં 33 ટકા મહિલા અનામત લાગૂ થશે તો યુનિવર્સિટી પ્રોફેસરો અને અધ્યક્ષોની નિમણુકમાં પણ 33 ટકા મહિલા અનામત રહેશે.
આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ થયું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું.આ વિધેયક પસાર થતા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયકમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે.
આ નિયમો મુજબ, યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે, કુલપતિની નિમણૂંક, પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલીના વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં, યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં.
પબ્લિક યુનિવર્સિટી એકટની અમલવારીથી મોટા ફેરફાર થશે. કુલપતિની ટર્મ હવે 3ના બદલે 5 વર્ષની રહેશે. એક યુનિવર્સિટીમાં કુલપતિ રહેલી વ્યક્તિને બીજી વખત કુલપતિ નહીં બનાવાય. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી રાજકારણ પૂર્ણ થશે. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિ.માં નહીં થાય. મેનેજમેન્ટ ઓથોરિટીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમે યુનિવર્સિટી બદલી શકશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે, બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે.