Nepal Floods: ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 170 પર પહોંચી ગઈ છે. આ સાથે જ 42 લોકો ગુમ થયાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વી અને મધ્ય નેપાળના મોટા ભાગના લોકો જળમગ્ન થઇ ગયા હતા. દેશના ઘણા ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે 42 લોકો ગુમ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં 111 લોકો ઘાયલ થયા છે.
નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, દેશભરમાં મૂશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂર બાદ મૃત્યુઆંક વધીને 170 થઈ ગયો છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિ રામ તિવારીએ જણાવ્યું હતું કે રાહત કામગીરી માટે હેલિકોપ્ટર અને બોટની સાથે 3,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કાટમાળના કારણે ઘણા હાઈવે બંધ થઈ ગયા છે, જેના કારણે કાઠમંડુ દેશના અન્ય ભાગોથી કપાઈ ગયું છે. હાઈવેને ખાલી કરવા માટે વહીવટીતંત્ર બુલડોઝરનો ઉપયોગ કરી રહ્યું છે.
આ દુર્ઘટનામાં માત્ર કાઠમંડુમાં જ 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
કાઠમંડુની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શુક્રવાર સાંજથી રદ કરવામાં આવી છે, જેના કારણે 150થી વધુ ફ્લાઈટ્સને અસર થઈ છે. જો કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હજુ પણ ચાલુ છે. પોલીસ કાટમાળ હટાવીને રસ્તાઓ ફરી ખોલવાનો પ્રયાસ કરી રહી છે જેથી ટ્રાફિક સામાન્ય થઈ શકે. હવામાન વિભાગના અધિકારી બીનૂ મહારજને જણાવ્યું હતું કે પડોશી દેશ ભારતના કેટલાક ભાગોમાં બનેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે વરસાદની તીવ્રતા વધી છે. રવિવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
નિષ્ણાતોનું માનવું છે કે હવામાન પરિવર્તનના કારણે નેપાળમાં વરસાદ અને પૂરની ઘટનાઓ વધી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 170થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. નેપાળમાં દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસામાં તબાહી મચે છે. પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર છે. સરકાર, વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો સાથે મળીને રાહત કાર્યમાં લાગેલા છે, પરંતુ વરસાદનું વિકરાળ સ્વરૂપ હજુ પણ એક પડકાર છે.