લંડનઃ વિશ્વની સૌથી જૂની પ્રવાસનાં આયોજન કરતી બ્રિટનની 178 વર્ષ જૂની 'થોમસ કૂક' કંપનીએ દેવાળુ ફૂંક્યું છે. કંપનીઓ પોતાની તમામ ફ્લાઈટ અને હોલિડે બૂંકિંગ રદ્દ કરી નાખ્યા છે. કંપનીએ પોતાના આધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી જાહેર કરી હતી. થોમસ કૂક કંપનીએ સોમવારે સવારે લગભગ 6 લાખથી વધુ પ્રવાસીઓનું બૂકિંગ રદ્દ કરી દીધું છે. જોકે, એવું કહેવાય છે કે, ભારતમાં સંચાલિત 'થોમસ કૂક' પર તેની કોઈ અસર નહીં થાય.


બ્રિટન સરકારે જણાવ્યું કે, થોમસ કૂકના પ્રવાસ પર ગયેલા બ્રિટનના આશરે 1.5 લાખ ગ્રાહકો છે, તેમને પાછા લાવવા સરકારની પ્રાથમિક્તા રહેશે. સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, થોમસ કૂકની 4 એરલાઈન્સે પોતાનું કામકાજ બંધ કરી દીધું છે.

'થોમસ કૂક' કંપનીના 16 દેશમાં 21 હજાર કર્મચારીઓ એક ઝટકે બેરોજગાર થઈ ગયા છે. માત્ર બ્રિટનમાં જ 9000 કર્મચારી બેરોજગાર થયા છે. થોડા મહિના અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટના કારણે તેના બુકિંગમાં મંદી આવી છે, જેના કારણે તેના પર દેવું વધી ગયું છે.