Ukraine Russia War: ગઈકાલે યુક્રેનમાં આવેલી ભારતીય એમ્બસીએ એક સંદેશ જાહેર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં 10 હજાર ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખારકીવ અને સુમીને બાદ કરતાં યુક્રેનના બધા વિસ્તારોમાંથી ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ખારકીવમાં ચાલી રહેલા બોમ્બમારા વચ્ચે એમ્બસી યુક્રેનના તંત્ર સાથે સંપર્ક બનાવીને ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરી રહી છે. પીસોચીનમાંથી ભારતે 800 જેટલા ભારતીયોને બહાર કાઢ્યા છે. એમ્બસીએ કરેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે, "પીસોચીનમાંથી બધા ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. હજી પણ જે લોકો બીજા વિસ્તારોમાં ફસાયેલા છે તેમને બહાર કાઢવા માટે અમારું મિશન ચાલું છે."


યુક્રેનમાં રશિયાની આર્મીએ સામન્ય લોકોને યુદ્ધ વિસ્તારમાંથી નિકળવા માટે 7 કલાક યુદ્ધ વિરામ લીધો હતો. ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને બસો દ્વારા યુદ્ધ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતીય એમ્બસીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, પીસોચીનમાંથી 5 બસો દ્વારા ભારતીયોને યુદ્ધ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.


આજની વાત કરીએ તો, વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, ઓપરેશન ગંગા હેઠળ આજે કુલ 13 ફ્લાઈટોમાં લગભગ 2500 ભારતીય નાગરીકો આજે ભારત આવશે. 




યુદ્ધ અપડેટઃ


રશિયન સેનાએ કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે અને રાજધાનીના નિયંત્રણ માટેની લડાઈ આ યુદ્ધનો અંતિમ પડાવ હશે. કિવ ઉપરાંત યુક્રેનના ઘણા શહેરોમાં રશિયન સૈનિકો હાજર છે. રશિયન સૈન્ય કાં તો શહેરો પર નિયંત્રણ લઈ રહ્યું છે અથવા તેનો નાશ કરી રહ્યું છે. કિવની શેરીઓમાં હજી સુધી કોઈ રશિયન ટેન્ક નથી, પરંતુ રશિયન ટેન્ક, રોકેટ અને મિસાઈલોએ યુક્રેનના ઘણા શહેરોમાં મોટા પ્રમાણમાં વિનાશ કર્યો છે.


નિષ્ણાતો માને છે કે જો કિવ પર કબજો નહીં થાય તો યુદ્ધ ઘણા દિવસો સુધી ખેંચાઈ શકે છે. બીજી તરફ, શનિવારે યુક્રેનના ચેર્નિહાઇવ અને સુમી શહેરમાં એર સ્ટ્રાઇકનું એલર્ટ જારી કરાયા બાદ આ શહેરોમાં ગભરાટનો માહોલ છે. રહેવાસીઓને નજીકના આશ્રયસ્થાનોમાં જવાની ચેતવણી આપવામાં આવી છે.