Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. 11 દિવસથી થઈ રહેલા હુમલાના કારણે યુક્રેનના અનેક શહેરો તબાહ થયા છે. લોકો દેશ છોડીને અન્ય દેશોમાં આશ્રય લેવા મજબૂર થચા છે, તેમ છતાં યુક્રેન રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. હજુ પણ યુક્રેનના અનેક શહેરો રશિયન સેનાના નિયંત્રણની બહાર થયા છે. યુદ્ધને લઈ અમેરિકા અને નાટોના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી યુક્રેનના તમામ શહેરો આત્મસમર્પણ નહીં કરી દે ત્યાં સુધી રશિયા આ દેશ પર મિસાઈલ છોડતું રહેશે.


ઝેલેન્સ્કીએ બાઈડેન સાથે કરી વાત


યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરી છે. જોકે તેમની વચ્ચે શું વાતચીત થઈ તે અંગે કંઈ જાણવા મળ્યું નથી. બાઈડેન યુદ્ધની શરૂઆતથી જ યુક્રેનના પક્ષમાં છે. તેમણે યુક્રેનની મદદ માટે અનેક ફેંસલા લીધા છે અને રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે.




સૈનિક પરિવારોને આપશે વળતર


રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ લડી રહેલા સૈન્ય કર્મીઓ અને તેમના પરિવારો માટે વળતરના ડીલ પર હસ્તાક્ષર કર્યા. જે અંતર્ગત યુદ્ધમાં શહીદ થનારા સૈનિકના પરિવારજનોને 5 મિલિયન રૂબલ મળશે.


રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અપીલ કરી


યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર સામાન્ય નાગરિકોને રશિયા સામેની લડાઈ ચાલુ રાખવાની અપીલ કરી છે. ઝેલેન્સકીએ પોતાના દેશને સંબોધતા કહ્યું કે યુક્રેનની એક મીટર જમીન પણ બચાવવી પડશે. આ જીવનમાં એકવાર મળે છે. બધાં શહેરોમાં જ્યાં પણ દુશ્મનો દેખાય ત્યાં બદલો લેવો.


મિસાઈલ તોડી પાડવાનો દાવો કરતો વીડિયો જાહેર કર્યો


યુક્રેનની સેનાએ એક વીડિયો જાહેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે રશિયન મિસાઈલને તોડી પાડી છે. રશિયન ક્રૂઝ મિસાઈલને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી આકાશમાં જ નષ્ટ કરવામાં આવી હતી. ક્રામટોર્કમાં સેનાએ મિસાઈલ છોડવાનો દાવો કર્યો છે.