વોશિંગ્ટનઃ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડન પ્રમુખપદની ચૂંટણીમાં જીતી ગયા છે. બાઈડન પ્રમુખ બનતાં તેમનાં રનિંગ મેટ એવાં ભારતીય મૂળનાં કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ બનશે. કમલા હેરિસે અમેરિકાનાં પહેલાં મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વૈશ્વિક મીડિયામાં કમલા હેરિસના 25 વર્ષ જૂના અફેરની જોરશોરથી  ચર્ચા ચાલી રહી છે.




કમલા હેરિસ 29 વર્ષનાં હતાં ત્યારે પોતાનાથી 31 વર્ષ મોટા એવા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથે તેમના સંબધો બંધાયા હતા. બ્રાઉન એ વખતે પરીણિત હતા પણ કમલા સાથે તેમના સંબંધો અત્યંત ગાઢ બન્યા હતા. બંને પતિ-પત્નિની જેમ જ રહેતાં હતાં અને જાહેરમાં સાથે પણ દેખાતાં હતાં. એ વખતે આ સંબંધોએ ભારે ચર્ચા જગાવી હતી. બ્રાઉનની ગણના અમેરિકાના સૌથી સમૃધ્ધ શહેર સાન ફ્રાન્સિસ્કોના સૌથી શક્તિશાળી રાજકારણી તરીકે થતી હતી તેથી મીડિયામાં કમલા વિશે ‘બ્રાઉનની 29 વર્ષની રખાત કમલા’ એ પ્રકારના અપમાનજનક ઉલ્લેખ પણ થતા હતા.



બ્રાઉન કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સ્પીકર તરીકે લાંબો સમય રહ્યા હતા. 1996માં એ સાન ફ્રાન્સિસ્કોના પહેલા બ્લેક મેયર બન્યા હતા અને ઈતિહાસ રચ્યો હતો. કમલા અને બ્રાઉન વચ્ચે સંબંધો હતા ત્યારે બ્રાઉન પોતાની પત્નિથી અલગ થઈ ગયા હોવાનો દાવો કરાતો હતો પણ બ્રાઉન મેયરપદની ચૂંટણી જીત્યા પછી તેમના સન્માન સમારોહમાં તેમની પત્નિ બ્લાન્સ મંચ પર સાથે દેખાઈ હતી. બ્રાઉને કમલા હેરિસને કેલિફોર્નિયાની બે મહત્વની કમિટીમીં નિમણૂક પણ આપી હતી.