કાબુલ: અફઘાનિસ્તાની સેના અને તાલિબાન આતંકીઓ વચ્ચે ઘર્ષણ સતત વધી રહ્યું છે. બુધવારે તાલિબાન આતંકીઓએ કરેલા એક હુમલામાં અફઘાનિસ્તાનના 30 સૈનિકો મૃત્યુ પામ્યા છે. હુમલા બાદ તાલિબાનીઓએ બાદગીસમાં એક મિલિટ્રી બેઝ પર પણ કબ્જો જમાવી લીધો છે.


ઉલ્લેખનીય છે કે ઇદના અવસર પર તાલિબાન લડાકૂ તરફથી ત્રણ દિવસનું સીઝફાયર જાહેર કરવામાં આવ્યું હતું. જે બુધવારે ખતમ થયું છે, તેની સાથે જ તાલિબાની આતંકીઓએ હુમલો કરવાનું શરૂ કરી દીધાં છે. પ્રોવિંસિયલ ગવર્નર અબ્દુલ કફૂરે જણાવ્યું કે તાલિબાને તેમની બે સુરક્ષા ચોકી પર હુમલો કર્યો. જેમાં 30 જવાનોના મોત નીપજ્યા છે.

જણાવી દઇકે ઇદના કારણે અફઘાનિસ્તાની સેનાએ પણ સીઝફાયર લાગુ કર્યું હતું. જેની નિંદા પણ થઈ હતી. સેનાએ પોતાના આ સીઝફાયરને દસ દિવસ લંબાવ્યું હતું.

આ પહેલા મંગળવારે અફઘાનિસ્તાનના ઉત્તર કૂંદૂજ પ્રાંતમાં તાલિબાન દ્વારા સેના અને સ્થાનીક પોલીસની ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર સુરક્ષાકર્મીના મૃત્યુ નીપજ્યા હતા. આ હુમલામાં સાત કટ્ટરપંથી પણ માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા.