ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં શનિવારે ફાયરિંગની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. તે સિવાય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ન્યૂયોર્ક સિટી પોલીસે જણાવ્યુ કે, આ ફાયરિંગ ન્યૂયોર્કના બ્રુકલીન સ્થિત 74 યૂટિકા એવેન્યૂમાં થઇ હતી. ન્યૂઝ એજન્સી અસોસિયેટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે સાત વાગ્યે બ્રુકલિન નજીક વીક્સવિલે સ્થિત 74 યૂટિકા અવેન્યૂના છે. ઘટનાસ્થળ પર ચાર લોકોના મોત થયા હતા. પ્રવક્તાએ કહ્યું કે, આ ઘટનામાં એક મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા હતા.


પોલીસ વિભાગના પ્રવક્તાએ ઘટના સંબંધમાં વધુ જાણકારી આપવાનો ઇનકાર કરતા કહ્યુ કે, આ મામલામાં હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ કનસાસ શહેરના એક બારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.