કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌરે એક ટ્વિટ કરી જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આઠ નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન માટે હાલમાં કોઇ તારીખ નક્કી નથી.
એક મહિના અગાઉ કોરિડોર યોજનાના એક ટોચના અધિકારીએ જાહેરાત કરી હતી કે કરતારપુર સાહિબ માટે પાકિસ્તાન નવ નવેમ્બરનાથી ભારતીય શીખ શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપશે. પાકિસ્તાનના વિદેશ ઓફિસના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાનના વચન અનુસાર, કરતારપુર કોરિડોર પર કામ સમય પર પુરુ થઇ જશે. તેનું ઉદ્ધાટન સમય પર થશે પરંતુ તેને શરુ કરવાની કોઇ તારીખ આપી શકું નહી કારણ કે અત્યાર સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી.