કાબુલઃ અફઘાનિસ્તાનના  રાજધાની  કાબુલમાં એક લગ્નસમારંભમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગૃહમંત્રાલયના  પ્રવક્તાને ટાંકીને એક રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ શનિવાર મોડી રાત્રે થયો હતો. આ વિસ્ફોટમાં મરનારની સંખ્યામાં વધારો થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્પોટ થયો ત્યારે વેડિંગ હોલમાં મોટી સંખ્યામાં મહેમાનો હતા. કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી. નોંધનીય છે કે 10 દિવસ અગાઉ જ કાબુલમાં વિસ્ફોટ થયો હતો જેમાં 95 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કારમાં થયો હતો.


અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ કહ્યું કે, હજુ સુધી હુમલાની કોઇએ જવાબદારી સ્વીકારી નથી જેથી આ વિસ્ફોટ પાછળનું કારણ શું છે તે કાંઇ કહી શકાય નહીં. આ વિસ્તારમાં શિયા હજારા સમુદાયના લોકોની સંખ્યા વધુ છે.


તેમણે કહ્યું કે,  હુમલાખોરે સમારોહ દરમિયાન ઉપસ્થિત લોકો વચ્ચે વિસ્ફોટ કર્યો  હતો. આ વિસ્ફોટ લગ્નના સ્ટેજ પાસે થયો હતો જ્યાં મ્યૂઝિશિયન ઉપસ્થિત હતા. ઘટનાના એક સાક્ષીએ દાવો કર્યો હતો કે વિસ્ફોટ બાદ  વેડિંગ બોલમાં અફરાતફરી મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આ વર્ષે 28 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. જેને લઇને અમેરિકા અને  તાલિબાન  વચ્ચે ચાલી રહેલી વાર્તાની સાથે હિંસા વધી ગઇ છે.