કોલંબોઃ અમેરિકા બાદ હવે શ્રીલંકામાં વીઝા નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકામાં વીઝા નિયમોનો ભંગ કરવાના આરોપમાં 73 ભારતીયોની ધરપકડ કરાઇ છે. ઇમિગ્રેશન એન્ડ એમિગ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય મૂળના 49 લોકોને મતુગામાની એક ફેક્ટરીમાંથી ધરપકડ કરાઇ છે. તેઓ વિઝાનો સમયગાળો પૂર્ણ થઇ ગયો હોવા છતાં ત્યાં રહી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા મહિને ઇંગીરિયાની એક ફેક્ટરીમાં કામ કરનારા 24 ભારતીયોની ધરપકડ કરાઇ છે. ધરપકડ કરાયેલા લોકોને મિરિહાનાના ઇમિગ્રેશન ડિન્ટેશન સેન્ટર પર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓના મતે તમામ લોકોને જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ભારત પાછા મોકલી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પણ નકલી યુનિવર્સિટીમાં એડમિશન લેવાના આરોપમાં 130 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરાઇ હતી. જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ બાદ ભારતના વિદેશ મંત્રાલયે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમેરિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.