દુબઇઃ આંતરરાષ્ટ્રીય સંપર્ક કાર્યક્રમના સંબંધમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના બે દિવસના પ્રવાસ પર છે. શુક્રવારે રાહુલ ગાંધીએ દુબઇમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. વિદેશની ધરતી પર રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરવાની સાથે મોદી સરકાર પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા.
તેમણે કહ્યું કે વર્ષ 2019 સહિષ્ણુતાનું વર્ષ છે પરંતુ છેલ્લા સાડા ચાર વર્ષથી ભારતમાં અસહિષ્ણુતાનો સમય રહ્યો છે. આ અગાઉ કોગ્રેસ અધ્યક્ષે શુક્રવારે જ દુબઇમાં લેબર કોલોનીમાં એકઠા થયેલા ભારતીય કામદારોને સંબોધિત કરતા કહ્યું કે, જો તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં સત્તામાં આવશે તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જેવી અમારી સરકાર સત્તામાં આવશે અમે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. આંધ્રપ્રદેશ અને તેલંગણાને બે જૂન 2014ના રોજ ભાગલા પાડીને બે અલગ અલગ રાજ્ય બનાવી દીધા હતા. તમે ભારત, ભારતીય રાજ્યો અને ગરીબ લોકોની મદદ કરી તથા તમે દુબઇ શહેર બનાવવા માટે કામ કર્યું છે જે આખા વિશ્વમાં મહાન છે. હું તમારો આભાર માનું છું.
સંયુક્ત આરબ અમીરાતના વિકાસની પ્રશંસા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે અહી જે પણ વિકાસ જોવો છો, ઉંચી ઇમારતો, મોટા એરપોર્ટ્સ અને મેટ્રો એ તમારા યોગદાન વિના બન્યું ના હોત. તમે આ શહેરના વિકાસ માટે પરસેવો પાડ્યો છે. રાહુલે કહ્યું કે, મને વિશ્વાસ છે કે જો આપણે એક સાથે ઉભા રહીશું તો અમે ભારત સરકાર અને વડાપ્રધાન મોદીને એ વાત રાજી કરી લઇશું કે જે આંધ્રપ્રદેશના લોકોના બાકી અધિકાર છે તેમને આપવા જોઇએ.