Bangladesh Power Cut after a grid failure: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ આજે બપોર બાદથી બાંગ્લાદેશમાં ઘણા ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. સમાચાર એજન્સી એએફપીના હવાલાથી અપાયેલી માહિતી મુજબ, આજે બપોર બાદથી જ બાંગ્લાદેશમાં વીજળીનો ખોરવાઈ ગયો છે.


14 કરોડ લોકો આજે વીજળીથી વંચિત રહ્યાઃ


બાંગ્લાદેશમાં (Bangladesh) વીજળીનો પુરવઠો પુરી પાડતી કંપનીએ જણાવ્યા મુજબ, અંદાજે 14 કરોડ લોકો આજે વીજળીથી વંચિત રહ્યા છે. વીજળીનો પુરવઠો ખોરવાઈ જવાનું કારણ જણાવતાં કંપનીએ કહ્યું કે, "એક મોટા પાવર ગ્રીડમાં થયેલા ભંગાણના (Grid failure) કારણે વીજળીનો પુરવઠો નથી પહોંચી રહ્યા. આજે બપોર બાદથી જ આ સમસ્યા સર્જાઈ છે." વીજળી ના મળવાના કારણે હાલ 14 કરોડથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.






વીજ પુરવઠો ફરીથી શરુ કરવામાં કલાકો લાગી શકેઃ


એક મીડિયા અહેવાલ મુજબ, બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશના પૂર્વ ભાગમાં ક્યાંક એક મોટા પાવર ગ્રીડમાં થયેલા ભંગાણથી આ ટ્રાન્સમિશન નિષ્ફળ ગયું હતું. પાવર વિભાગના પ્રવક્તા શમીમ હસને આ અંગે જણાવ્યું કે, રાજધાની ઢાકા અને અન્ય મોટા શહેરોમાં તમામ પાવર પ્લાન્ટ ઠપ્પ થઈ ગયા હતા અને વીજળી કપાઈ હતી. અત્યારે એન્જીનિયરો એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ક્યાં અને શા માટે આ ગ્રીડ ફેલ્યોર સર્જાયું છે. મહત્વનું છે કે, વીજ પુરવઠો ફરીથી શરુ કરવામાં કલાકો લાગી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.


ડીઝલના ભાવમાં વધારો થતાં વીજ ઉત્પાદન ઠપ્પઃ


બાંગ્લાદેશ અત્યારે ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને પ્રભાવશાળી આર્થિક વિકાસ કર્યું છે ત્યારે વીજળીની સમસ્યા આ વિકાસની ગતીને નડી રહી છે. આ વીજળીની અછતનું કારણ એ છે કે, સરકારે આયાત માટેના ખર્ચને ઘટાડવા માટે તમામ ડીઝલ સંચાલિત પાવર પ્લાન્ટની કામગીરી સ્થગિત કરી દીધી છે કારણ કે, ડીઝલના ભાવમાં વધારો થયો છે. ડીઝલથી ચાલતા પાવર પ્લાન્ટ્સ બાંગ્લાદેશના વીજ ઉત્પાદનના લગભગ 6% ઉત્પાદન કરે છે, તેથી આ વીજ પ્લાન્ટને બંધ કરાતાં દેશના વીજ ઉત્પાદનમાં 1,500 મેગાવોટ સુધીનો ઘટાડો થાય છે.


ગારમેન્ટ ઉદ્યોગને થઈ અસરઃ


આ મહિનાની શરૂઆતમાં, બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ ફારુક હસને જણાવ્યું હતું કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગારમેન્ટ ફેક્ટરીઓ હવે દિવસમાં લગભગ 4 થી 10 કલાક વીજળી વિના રહે છે. બાંગ્લાદેશ ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ગાર્મેન્ટ નિકાસકાર દેશ છે અને તે દર વર્ષે તેના કુલ વિદેશી હુંડિયામણના 80% કરતાં વધુ ગારમેન્ટ ઉત્પાદનોની નિકાસમાંથી કમાય છે.