Sri Lanka Crisis: શ્રીલંકામાં સંકટ હજી પણ યથાવત છે. સમગ્ર દેશમાં ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. રાષ્ટ્ર્પતિ ગોટાબાયા રાજપક્ષે હાલ દેશ છોડીને ભાગી ગયા છે અને અત્યારે શ્રીલંકાના પ્રધાનમંત્રી રનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિક્રમસિંઘેએ હાલ જે પ્રદર્શનકારીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેમને ફાસીવાદી તાકત ગણાવી છે અને કહ્યું છે કે, આ ફાસીવાદી તાકતો સરકાર પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહી છે.


રનિલ વિક્રમસિંઘે વધુમાં કહ્યું કે, પ્રદર્શનકારીઓને કાબુમાં કરવા માટે સેના અને પોલીસને ખુલ્લી છુટ આપવામાં આવી છે. તેમણે એક આદેશમાં કહ્યું કે, દેશની સુરક્ષા એજન્સીઓ દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરીથી સ્થાપિત કરવા માટે જે સંભવ છે તે બધુ કરવામાં આવે.


પ્રધાનમંત્રી ઓફિસ પર કબ્જોઃ
આ સ્થિતિ વચ્ચે હવે પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રી ઓફિસ પર આક્રમણ કરી દીધું છે. હાલ રાજધાની કોલંબોની ત્રણ મુખ્ય ઈમારતો રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ સચિવાલય અને પ્રધાનમંત્રીના આધિકારીક આવાસ ટેંપલ ટ્રીજ પર પ્રદર્શનકારીઓ કબ્જો જમાવીને બેઠા છે. પ્રદર્શનકારીઓ માંગ કરી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ અને પ્રધાનમત્રી તેમના પદ પરથી રાજીનામું આપે. પ્રધાનમંત્રી ઓફિસ પર ચડી બેઠાલા પ્રદર્શનકારીઓનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી ઓફિસ પર પહોંચ્યા છે અને નારેબાજી કરી રહ્યા છે.






પ્રદર્શનકારીઓનો ટીવી ચેનલની બિલ્ડીંગ પર હુમલોઃ


શ્રીલંકા દેશના સરકારી ટીવી ચેનલ રુપાવિહિનીનું બુધવારે પ્રસારણ રદ્દ કરવામાં આવ્યું છે કારણ કે પ્રદર્શનકારીઓ ટીવી ચેનલની બિલ્ડીંગ પર હુમલો કર્યો હતો. શ્રીલંકા રુપવાહિની કોર્પોરેશને કહ્યું કે, તેના એન્જીનિયરોએ ચેનલનું સીધું પ્રસારણ અને રેકોર્ડેડ પ્રસારણ બંધ કરી દીધું છે કારણ કે, બિલ્ડીંગ પરીસરને પ્રદર્શનકારીઓએ ઘેરી લીધું છે. જો કે, ત્યાર બાદ ચેનલે ફરીથી તેનું પ્રસારણ ચાલુ કરી દીધું હતું.