પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના લોકો પર થતા પાકિસ્તાની આર્મીના અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર બલૂચ નેતા કરીમા બલૂચ સંદિગ્ધ અવસ્થામાં મૃત મળી આવી છે. ઉલ્લેખનીય છે કે તે વડાપ્રધાન મોદીને પોતાના ભાઈ માનતી હતી. કરીમાએ એકવાર પીએમ મોદી સામે બલૂચિસ્તાનની અવાજ બનવા અપીલ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે કરીમા બલૂચ રવિવારથી લાપતા હતી. સોમવારે પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કરીમા બલૂચની હત્યા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ કરાવી હોવાની શંકા છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે કરીમા સાથે કોઈ દુર્ઘટના ઘટી હતી કે તેની હત્યા જ કરવામાં આવી છે.

કરીમા બલૂચે વર્ષ 2016માં રક્ષાબંધનના દિવસે વડાપ્રધાન મોદીને બલૂચિસ્તાનો સાથ આપવા અપીલ કરી હતી. કરીમાએ કહ્યું હતું કે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બલૂચિસ્તાનની એક બહેન તેના ભાઈ પાસેથી કંઈક માંગી રહી છે.

બલૂચિસ્તાન સતત પાકિસ્તાનથી અલગ દેશ બનાવવાની માંગ કરી રહ્યો છે. પાકિસ્તાની આર્મી અહીં લોકોનો નરસંહાર કરે છે. હજારોની સંખ્યામાં અહીંથી લોકો ગાયબ થયા છે અને તેમને કારણ વિના જેલમાં કેદ રાખવામાં આવે છે. પાકિસ્તાનની આ ક્રૂરતા સામે કરીમા ઘણા સમયથી અવાજ ઉઠાવતી હતી. તે બલૂચિસ્તાનનો અવાજ બની તેની આઝાદી માટે લડી રહી હતી. તેવામાં તેનું મોત થવાથી બલૂચિસ્તાન આંદોલનને મોટો ઝટકો લાગ્યો છે.