કાબુલ: અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં શુક્રવારે એક કાર્યક્રમમાં કરાયેલા ગોળીબારમાં આશરે 32 લોકોનાં મોત થયાં છે. ઘણા લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. પોલીસે બે હમલાવરોને ઠાર કર્યા છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટએ પોતાની વેબસાઈટ પર આ હુમલાની જવાબદારી લીધી છે.


જ્યારે, તાલિબાને આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કર્યો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે હાલમાં જ અમેરિકા અને તાલિબાન વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયા છે જેનાથી દેશમાંથી અમેરિકી દળોની વાપસીનો રસ્તો સાફ થયો છે.

આ રેલીમાં જાણીતા રાજનેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ રેલીમાં મોટી સંખ્યા શિયા સમુદાય સાથે જોડાયેલા લોકોની હતી. આ કાર્યક્રમ અફઘાનિસ્તાના હાજરા નેતા અબ્દુલ અલી માજરીની યાદમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેની 1995માં હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર કાર્યક્રમના સ્થળની નજીક આવેલી એક ઇમારત પરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓએ આ ગોળીબારમાં અત્યાર સુધી 60 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ ખાસ સુરક્ષાદળો દોડી ગયા હતા અને ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર બે હુમલોખોરો માર્યા ગયા હતા.