અફઘાન લોકોને સુરક્ષા પૂરી પાડતા તાલિબાનના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. લેટેસ્ટ અહેવાલ અનુસાર તાલિબાને કાબુલમાં પત્રકારને ઢોર માર માર્યો છે. આ પત્રકાર ટોલો ન્યૂઝ માટે કામ કરતો હતો. આ પહેલા તાલિબાને ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની પણ હત્યા કરી હતી.


TOLOnewsના પત્રકાર ઝિયાર યાદએ પણ કહ્યું છે કે કેવી રીતે તાલિબાન પત્રકારો સાથે ખરાબ વર્તન કરે છે. ઝિયાર યાદ અને તેના કેમેરામેન સાથીને તાલિબાનોએ માર માર્યો હતો. તેઓ અફઘાનિસ્તાનમાં ગરીબી અને બેરોજગારી અંગે અહેવાલ આપી રહ્યા હતા. આ લોકો કાબુલના હાજી યાકુબ સ્ક્વેર નજીક રિપોર્ટિંગ કરી રહ્યા હતા. ઝિયારે કહ્યું કે જ્યારે તેઓ ફોટા ક્લિક કરી રહ્યા હતા, ત્યારે તાલિબાનના માણસો તેમની પાસે આવ્યા અને તેમનો ફોન છીનવી લીધો. ત્યારબાદ બંનેને હથિયારોથી મારવા લાગ્યા હતા.


પત્રકાર સંગઠનોએ પત્રકાર સાથે દુર્વ્યવહારના મામલે વાંધો પણ ઉઠાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસથી તાલિબાનોએ અફઘાનિસ્તાન અને કાબુલનો કબજો મેળવ્યો છે ત્યારથી પત્રકારો સાથે તેમનું વર્તન ચિંતાનો વિષય છે. બીજી તરફ તાલિબાનના સાંસ્કૃતિક આયોગના નાયબ વડા અહમદુલ્લાહ વાસિકે કહ્યું છે કે અમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને કાબુલ કમાન્ડર સાથે વાતચીત થઈ છે.


તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આમાં, વિશ્વભરના મીડિયા સામે ઘણા વચનો આપવામાં આવ્યા હતા. આમાંનું એક વચન એ હતું કે તે મીડિયાને અફઘાનિસ્તાનમાં મુક્ત રીતે કામ કરવા દેશે. પરંતુ સાથે જ તેમણે કહ્યું હતું કે તેમને 'અફઘાનિસ્તાનની સંસ્કૃતિ' નું સન્માન કરવું પડશે. જો કે અફઘાન સંસ્કૃતિથી તેનો અર્થ શું છે તે સ્પષ્ટ થયું નથી.


રોયટર્સ ન્યૂઝ એજન્સીના ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા તાલિબાને જ કરી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તાલિબાન દ્વારા દાનિશની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. દાનિશનો મૃતદેહ 18 જુલાઇના રોજ ભારત લાવવામાં આવ્યો હતો અને જામિયા મિલિયા ઇસ્લામિયા કબ્રસ્તાનમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.