કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ધીમે ધીમે તેમનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન હવે તાલિબીનીઓ તેમના વિરોધીઓને પણ શિકાર બનીવી રહ્યા છે. કાબુલમાં બંદૂકની અણીએ એક ભારતીય કારોબારીનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહણકરીને તેમને ક્યાં લઈ જવાયા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. કારોબારીની કારને પાછળથી ટક્કર મારવામાં આવી અને બાદમાં બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ સમગ્ર વિસ્તારને સીલ કરીને તેમની શોધ કરવામાં આવી હતી છતાં કોઈ ભાળ મળી નથી. સમગ્ર મામલો ખંડણી સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે.
શીખ સમુદાયના છે કારોબારી
ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંઢોકે જણાવ્યું કે, તાલિબાનીઓએ કાબુલ ખાતે અફઘાન મૂળના એક ભારતીય કારોબારીનું બંદૂકની અણીએ અપહરણ કરી લીધું છે. તેમનું નામ બંસરીલાલ અરેન્દેહી છે. બંસરીલાલ શીખ સમુદાયના છે.
કાબુલમાં કારોબારી ચલાવે છે દવાની દુકાન
તેમણે જણાવ્યું કે, 50 વર્ષીય બંસરીની કાબુલમાં દવા ઉત્પાદનની દુકાન છે. તાલિબાનીઓએ મંગળવારે સવારે 8:00 વાગ્યે દુકાન પાસેથી તેમનું અપહરણ કર્યું હતું. તાલિબાનીઓએ બંસરીની સાથે તેમના સ્ટાફના લોકોને પણ કિડનેપ કર્યા હતા. જોકે તે લોકો કોઈ પણ રીતે તેમની ચુંગાલમાંથી બચીને ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા. તાલિબાનીઓએ સ્ટાફને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો હતો.
કારોબારીનો પરિવાર દિલ્હી-એનસીઆરમાં રહે છે
પુનીત સિંહે જણાવ્યું કે, બંસરીનો પરિવાર દિલ્હી-એનસીઆરમાં રહે છે. સ્થાનિક તપાસ એજન્સીઓએ તેમના અપહરણનો કેસ નોંધ્યો છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, ભારતીય વિદેશ મંત્રાલયને આ અંગે જાણ કરી દેવામાં આવી છે તથા સરકારને તાત્કાલિક આ મુદ્દે હસ્તક્ષેપ અને સહયોગ કરવા કહેવામાં આવ્યું છે.