નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં રવિવારે સાંજે ભારતીય સમય મુજબ 5.16 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 નોંધવામાં આવી હતી. ભૂકંપના આંચકા બાદ સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે.
યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્ર લંબોક આઈલેન્ડ પાસે નોંધવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 15 કિલોમીટર નીચે હતું. અધિકારીઓ દ્વારા સુનામીની ચેતવણી આપીને લોકોને દરિયાની આસ-પાસ નહીં જવાની અપીલ કરી છે.
ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘર, હોટલો અને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયા હતા. એક સપ્તાહ પહેલા આ દ્વિપ પર આવેલા ભૂકંપમાં 17 લોકોના મોત થયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 6.4 નોંધવામાં આવી હતી.