Pakistan Inflation : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોનું જીવવુ હરામ કરી નાખ્યું છે. પાકિસ્તાનમાં ચિકન અને ચિકન મીટની કિંમત કરાચી શહેર સહિત સમગ્ર પાકિસ્તાનમાં રોકેટ ગતિએ વધી જવથી હવે તો ચિકન માત્ર સપનામાં જ ખાઈ શકાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સ્થાનિક ટીવીના અહેવાલ અનુંસાર કરાચીમાં ચિકનની વર્તમાન કિંમત 490 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ચિકન મીટની કિંમત 720 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. કિંમતોમાં આ વધારો ફીડની અછતને કારણે ઘણા પોલ્ટ્રી વ્યવસાયો બંધ થવાને કારણે છે.


સાથે સાથે સવારની ચાની ચુસ્કી તો જાણે એક માત્ર વિચાર જ રહી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ચાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. 


પોલ્ટ્રી વ્યવસાયના માલિકોએ આસમાનને આંબી રહેલા ભાવ પાછળનું કારણ ફીડની અછત ગણાવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કરાચીમાં એક કિલો મરઘાનું માંસ 720 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. પાકિસ્તાનની સામ ટીવીએ અહેવાલ આપ્યો છે કે, રાવલપિંડી, ઈસ્લામાબાદ અને અન્ય કેટલાક શહેરોમાં ચિકનની કિંમત પણ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે જેમાં એક કિલો મરઘાંનું માંસ 700-705 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તો દેશના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લાહોરમાં ચિકન મીટની કિંમત 550-600 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહી છે. આ વધતી કિંમતો ઘણા ગ્રાહકો માટે ચિંતાનું કારણ છે. ખાસ કરીને એ લોકો કે જ તેમના પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે ચિકન પર આધાર રાખે છે.


ચાના ભાવે પણ લોકોને પરસેવો છોડાવ્યો


પાકિસ્તાન અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે  આર્થિક તંગીથી પીડાતા દેશમાં છેલ્લા 15 દિવસમાં બ્લેક ટીની કિંમત 1,100 રૂપિયાથી વધીને અધધ 1,600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એક રિટેલરે જણાવ્યું હતું કે, એક અગ્રણી બ્રાન્ડે 170 ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત 290 રૂપિયાથી વધારીને 320 અને 350 રૂપિયા કરી દીધી છે. 900 અને 420 ગ્રામના પેકની કિંમત હવે અનુક્રમે રૂ. 1,350 અને રૂ. 550ની સામે રૂ. 1,480 અને રૂ. 720 છે. અન્ય પેકર્સ પણ કિંમત વધારવાની તૈયારીમાં જ છે. ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FPCCI)ની ચા અંગેની સ્ટેન્ડિંગ કમિટીના કન્વીનર ઝીશાન મકસૂદે જણાવ્યું હતું કે, આયાત હાલમાં મુશ્કેલીમાં છે જેના કારણે માર્ચમાં મોટી અછત ઉભી થઈ શકે છે.