શાંઘાઈઃ કોરોના વાયરસના સ્ત્રોતની ઓળખ માટે ચીન આંતરરાષ્ટ્રીય સહયોગ કરવા તૈયાર છે તેમ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું છે. જોકે આ માટે તેમણે એક શરત પણ રાખી છે. વિદેશ મંત્રીએ કહ્યું, તપાસ કોઈપણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં મહામારીના ઉદ્વભવ સ્થાનના તપાસની માંગ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ દ્વારા આ મુદ્દે ચીન પર પારદર્શિતા નહીં દાખવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકા કોરોના વાયરસ ચીનની લેબોરેટરીમાંથી નીકળ્યો હોવાનું સતત રટણ કરતું આવ્યું છે.

વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું, ચીન વાયરસના સ્ત્રોતના ઉદ્ભવ સ્થાનની ભાળ મેળવવા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સાથે કામ કરવા તૈયાર છે. તેમણે કહ્યું, અમે માનીએ છીએ કે તપાસ પ્રોફેશનલ, નિષ્પક્ષ અને રચનાત્મક રીતે થવી જોઈએ. નિષ્પક્ષતાનો અર્થ પ્રક્રિયા રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ. તમામ દેશોની ગરિમાનું સન્માન કરવું જોઈએ.


તેમણે જણાવ્યું, "વિશ્વ પહેલા જેવું નહીં હોય પણ ચીન આગળ વધવાનું ચાલુ રાખશે. કોવિડ-19 ચીનની સોશિયલ સિસ્ટમ અને શાસનની ક્ષમતાનો ઓલરાઉન્ડ ટેસ્ટ લઈ રહ્યો છે. ચીન તેના ટેસ્ટમાં ઉભુ રહ્યું, રાષ્ટ્રીય તાકાત દર્શાવી અને પોતાને એક જવાબદાર અગ્રણી દેશ બતાવ્યો. કોવિડ-19 બાદ અમારું અર્થતંત્ર વધારે મજબૂત થશે અને આપણા લોકો વધુ સંયુક્ત થશે તેવો વિશ્વાસ છે."