AI Godfather Geoffrey Hinton: AIના ગોડફાધર જ્યોફ્રી હિન્ટનએ તેમની આ શોધને લઈને જ ભય વ્યક્ત કર્યો છે. જ્યોફ્રી હિન્ટનનું માનવું છે કે, રોબોટ સૈનિકો 'ખૂબ જ ડરામણા' હશે અને યુદ્ધની શક્યતા વધારી દેશે. તેમણે કહ્યું હતું કે, આ ટેક્નોલોજીને ઝડપથી વિકસાવવાની ભૂમિકાને લઈને તેમને "ખેદ" છે. હિન્ટને તાજેતરમાં જ ગૂગલમાંથી રાજીનામું આપ્યું હતું.
કેમ્બ્રિજ-શિક્ષિત કોમ્પ્યુટર વૈજ્ઞાનિકે કૃત્રિમ ન્યુરલ નેટવર્ક્સ પરના તેમના કાર્ય સાથે ઉદ્યોગમાં ક્રાંતિ લાવી હતી. પરંતુ હવે તેમને જ ચેતવણી આપી હતી કે, આવી પ્રગતિ 'ચપળ' ટર્મિનેટર-શૈલીના કિલિંગ મશીનોની ખતરનાક સંભાવના પણ વધારી દે છે.
આ દેશ બનાવી શકે છે રોબોટ સૈનિકો
હિન્ટને દાવો કર્યો હતો કે, અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સને 'રોબોટ સૈનિકો રાખવાનું ગમશે' અને વાસ્તવિક માનવ સૈનિકોને ગુમાવવાનું જોખમ ન હોવાથી નાના દેશોની સુરક્ષા માટે જોખમ ઊભું થશે. કારણ કે હુમલાખોરોએ 'ચિંતા કરવાની જરૂર જ નહીં રહે' કે તે કેટલા સૈનિકો ગુમાવશે.
ન્યૂયોર્ક ટાઈમ્સ ડેઈલી પોડકાસ્ટ પર બોલતા 72 વર્ષીય ટેક ગુરુએ કહ્યું હતું કે, 'યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રોબોટ સૈનિકો બનાવવા માંગે છે. રોબોટ સૈનિકો ખૂબ જ ડરામણી હશે.
રોબોટ મોકલવાને લઈ કોઈ ચિંતા જ નહીં રહે
હિન્ટને કહ્યું હતું કે, જો તેઓ રોબોટ મોકલશે તો કેટલા સૈનિકો મૃત્યુ પામશે તેની ચિંતા કરવાની જરૂર નહીં રહે. આ સ્થિતિમાં રાજકારણીઓને પૈસા આપનારા પણ તેનું સમર્થન કરશે. તેઓ તેને શાબાશ કહીને બિરદાવશે અને આ મોંઘા હથિયારો લડવા માટે મોકલી રહ્યા હોવાનું કહી વિશ્વાસ વધારશે.
'એક સમયે તેઓ આપણા કરતાં વધુ સમજદાર બની જશે'
હિન્ટનના મતે 'મિલિટરી ઈન્ડસ્ટ્રી કોપકોમ્પ્લેક્સને પણ રોબોટ સૈનિકો ગમશે. સાથે જ તેમણે એવો ભય પણ વ્યક્ત કર્યો છે કે, એક સમય એવો આવશે જ્યારે રોબોટ્સ "આપણા કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે અને માનવીને જ ટેક ઓવર કરી લેશે. તેમણે ઉમેર્યું હતું કે, જો તમે તેમને કંઈક આપશો તો તેઓ સમજી જશે કે તેનાથી તેમને વધુ શક્તિ મળશે.
જાહેર છે કે, આ અગાઉ ભારતીય મૂળના જાણીતા અર્થશાસ્ત્રી અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે AI તરફ ગંભીર ઈશારો કર્યો હતો.ગીતા ગોપીનાથે આશંકા વ્યક્ત કરી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે આવનારા દિવસોમાં શ્રમ બજારમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમણે નીતિ નિર્માતાઓને આ ટેક્નોલોજીને નિયંત્રિત કરવા માટે જલદી નિયમો બનાવવાની અપીલ કરી છે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ ગીતા ગોપીનાથે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે સરકારો, સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓ શ્રમ બજારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા વિક્ષેપથી નિપટવા માટે જલદીથી જલદી તૈયારી શરૂ કરે અને નિયમો બનાવવાનું શરૂ કરી દે.