બગદાદ: અમેરિકાએ ઈરાનના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાનીને ડ્રોન હુમલામાં મારી નાખ્યાના એક દિવસ બાદ આજે ફરીથી એર સ્ટ્રાઈક કરી 6 લોકોના મોત નિપજાવ્યાં છે. આ હુમલો બગદાદના ઉત્તર વિસ્તારમાં તાજી રોડ પાસે થયો છે. જ્યાં બિન અમેરિકી સેનાઓનો બેસ છે ત્યાં આ રસ્તો જાય છે. હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકો ઈરાન સમર્થક મિલિશિયા હશ્દ અલગ શાબીના હોવાનું કહેવાય છે. હશ્દ અલ શાબી ઈરાન સમર્થક પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસનું બીજું નામ છે.


નોંધનીય છે કે, અમેરિકાએ ગુરુવારે મોડી રાતે ઈરાકની રાજધાની બગદાદમાં હુમલો કરીને ઈરાનના અત્યંત શક્તિશાળી કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યો હતો અને આ દરમિયાન અમેરિકાએ હવાઈ હુમલો કર્યો હતો.

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જનરલ સુલેમાની અમેરિકન રાજદૂતો અને સૈન્ય કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યો હતો. જનરલ સુલેમાની અને તેની સૈન્ય સેંકડો અમેરિકનો અને સભ્યોનાં મોત તેમજ હજારોને ઘાયલ કરવા માટે જવાબદાર છે.