નવી દિલ્હીઃ લંડનની કોર્ટે આજે ગુરુવારે બુકી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણ પર નિર્ણય સંભળાવી દીધો છે. વેસ્ટમિનિસ્ટર કોર્ટે સંજીવ ચાવલાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, અમે અપીલ આપવાની મંજૂરી આપીશું નહીં અને હાઇકોર્ટેના અંતિમ નિર્ણયને પડકારવાની મંજૂરી આપીશું નહીં.
સુનાવણી દરમિયાન સંજીવ ચાવલા કોર્ટમાં હાજર હતો. ગૃહ સચિવના હસ્તાક્ષર બાદ તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવામાં આવશે. સંજીવ ચાવલા વર્ષ 2000ના મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં સામેલ હતો અને વોન્ટેડ હતો. કોર્ટના ચુકાદાના બે દિવસ અગાઉ દિલ્હી પોલીસની ટીમ બુકી સંજીવ ચાવલાને ભારત લાવવા માટે બ્રિટન રવાના થઇ હતી. દિલ્હી ટીમમાં ડીસીપી રેન્કના એક અધિકારી અને ઇસ્પેક્ટર રેન્કના એક અધિકારી સામેલ છે જે આ મામલામાં તપાસ અધિકારી છે.
આ કુખ્યાત મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએનું નામ આવ્યું હતું ત્યારબાદ એક પ્લેન દુર્ઘટનામાં તેનું મોત થઇ ગયુ હતું.