હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન મોસ્કો (રશિયા)ના પ્રવાસે ગયા છે. આ પ્રવાસને લઈને અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, યુક્રેનમાં રશિયાએ ઉભી કરેલી સ્થિતિ પર વિરોધ દર્શાવવો દરેક જવાબદાર દેશની જવાબદારી છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે બુધવારે કહ્યું કે, અમેરિકાએ યૂક્રેન સંકટને લઈને પાકિસ્તાનને પોતાની સ્થિતિથી માહિતગાર કરી દીધું છે. ન્યુઝ એજન્સી ANIના પ્રમાણે નેડ પ્રાઈસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે રશિયા દ્વારા યૂક્રેન પર ફરીથી કરવામાં આવેલા આક્રમણ વિશે અમારી સ્થિતિથી પાકિસ્તાનને માહિતગાર કરી દીધું છે અને અમે યુદ્ધ પર કૂટનીતિને આગળ વધારવા માટે કેવા પગલાં લીધાં છે તેની માહિતી પણ આપી છે.
રશિયાની કામગીરી સામે અવાજ ઉઠાવવો દરેક દેશની જવાબદારીઃ
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે આગળ કહ્યું કે, અમેરિકા યૂક્રેન સાથે પોતાની ભાગીદારીને અમેરિકાના હિતો માટે મહત્વની માને છે. અમેરિકાએ ઈમરાન ખાનના પ્રવાસને લઈને કહ્યું કે, કોઈ પણ જવાબદાર દેશે રશિયાની કામગીરી સામે અવાજ ઉઠાવવો જોઈએ. પાકિસ્તાની પીએમ બુધવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે અને આર્થિક સહયોગ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મોસ્કો જવા રવાના થયા છે. આ સાથે આ મુલાકાતના એજન્ડામાં તાલિબાન નિયંત્રીત અફઘાનિસ્તાન અને ક્ષેત્રીય સુરક્ષા સહયોગમાં બંને દેશો અને તેમનની પરસ્પર ચિંતાઓનો પણ સમાવેશ થાય છે. ઈમરાન ખાનના આ પ્રવાસથી પાકિસ્તાનને ઉર્જા ક્ષેત્ર અને ક્ષેત્રીય સંપર્કમાં રશિયા સાથે આગળ વધવાનો મોકો મળી શકે છે.
23 વર્ષ બાદ પહેલી વાર પાકિસ્તાન પીએમનો રશિયા પ્રવાસઃ
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરનાર પ્રથમ વિદેશી નેતા ઈમરાન ખાન છે. ઈમરાન ખાન સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડલ પણ મોસ્કો જઈ રહ્યું છે. વર્ષ 1999માં એટલે કે 23 વર્ષ પહેલાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી રશિયાની મુલાકાતે ગયા હતા. ઈમરાન ખાન પહેલાં 1999માં તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફ રશિયાની મુલાકાતે ગયા હતા.