અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ખૂની ખેલ ચાલુ છે. સમાચાર છે કે લડાઈ દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના મોટા ભાઈની તાલિબાને હત્યા કરી નાખી છે. રિપોર્ટ્સ મુજબ, તાલિબાન સાથેની લડાઈ દરમિયાન રોહિલ્લા સાલેહની બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી. જ્યારે, અમરુલ્લા વિશે જણાવવામાં આવી રહ્યું છે કે હાલના સમયમાં તેઓ તાજિકિસ્તાનમાં છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા તાલિબાને પંજશીર પર પૂરી રીતે કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ રેસિસ્ટેંસ ફ્રન્ટએ તાલિબાનના આ દાવાને ફગાવી દિધો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો એટલે કરવામાં આવી રહ્યો છે કે કારણ કે તાલિબાનના એક લડાકેની આજ જગ્યાએથી એક તસવીર સામે આવી છે, જ્યાંથી સાલેહએ એક વીડિયો શેર કર્યો હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાને સાલેહના ઘર પર કબજો કરી લીધો છે. પરંતુ અત્યાર સુધી તાલિબાન તરફથી અમરુલ્લા સાલહેના ભાઈ રોહિલ્લા સાલેહના મોતને લઈ કોઈ પુષ્ટી નથી કરવામાં આવી.


કાબુલ એરપોર્ટ પરથી અમેરિકી સૈનિકોની વાપસી બાદ અને તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા બાદ આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટે ગુરુવારે ઉડાન ભરી હતી. કતાર એરવેઝની આ ફ્લાઇટ 200 લોકોને કતાર લઇ ગઇ હતી અને રાજધાની દોહા પહોંચાડ્યા હતા. આ લોકોમાં અમેરિકનો પણ સામેલ હતા. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટે અમેરિકાએ કાબુલ એરપોર્ટ તાલિબાનને સોંપ્યું હતું. એ પછી કાબુલ એરપોર્ટથી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી શરૂ થઈ છે.


અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે તેમના અધિકારો માટે લડી રહેલી મહિલાઓ અને નવી સરકારમાં તેમની ભાગીદારી માટે પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે. કાબુલથી ઉત્તર-પૂર્વ પ્રાંત બદખ્શાંમાં મહિલાઓનું પ્રદર્શન પહોંચી ગયું છે. ત્યાં ઘણીબધી મહિલાઓ રસ્તા પર ઊતરી આવી છે. દરમિયાન તાલિબાને મહિલાઓ વિશે વાહિયાત નિવેદન આપ્યું છે. તાલિબાન પ્રવક્તા સૈયદ ઝકીરુલ્લાહ હાશ્મીએ કહ્યું- 'મહિલા મંત્રી નહીં બની શકે.' મહિલા માટે મંત્રી બનવું એ તેના ગળામાં કંઈક બાંધી દેવા જેવું છે, જેને તે ઉપાડી શકતી નથી. મહિલાઓ માટે મંત્રીમંડળમાં હોવું જરૂરી નથી. તેમણે બાળકો પેદાં કરવાં જોઈએ. બાળકો પેદા કરવા એ જ તેમનું કામ છે. 


અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની ક્રૂરતા સામે આવવા લાગી છે. તાલિબાને રાજધાની કાબુલના એક પોલીસ સ્ટેશનમાં બે પત્રકારોને ચાર કલાક સુધી બંધક રાખ્યા અને તેમનાં કપડાં ઉતારીને તેમને નેટરની સોટી, ચાબુક અને ઇલેક્ટ્રિક વાયરથી નિર્દયતાથી ઢોરમાર માર્યો હતો. બંનેનાં શરીર પર ઘાનાં નિશાન તાલિબાનોની ક્રૂરતા કહી રહ્યા છે.