નવી દિલ્હીઃ ભારત દેશ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારની વાત કરી રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં શીખોના પવિત્ર તીર્થ સ્થળ ગુરુદ્ધારા શ્રી નનકાના સાહિબ પર હુમલો થયો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે શ્રી નનકાના સાહિબ પર હુમલો કરનારા લોકો પર કડક કાર્યવાહી થવી જોઇએ. આ ટોળાનું નેતૃત્વ મોહમ્મદ હસનના પરિવારે કર્યું હતુ. જેણે કથિત રીતે શીખ યુવતી જગજીત કૌરનું અપહરણ કરવા અને તેની સાથે નિકાહ કર્યો છે.  આ દરમિયાન ટોળાએ કહ્યુ કે તે લોકો અહી ગુરુદ્ધારાના વિરોધમા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


હુમલાખોરોએ કહ્યુ કે, તે જલદી આ સ્થળનું નામ નનકાના સાહિબમાંથી બદલીને ગુલામ-એ-મુસ્તફા કરાવશે. કોઇ પણ શીખ નનકાનામાં રહેશે નહીં. ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા પથ્થરબાજોની ધરપકડ કરી હતી. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.  વીડિયોમાં પાકિસ્તાનની ભીડ કહી રહી છે કે નનકાના સાહિબનું નામ બદલીને ગુલામ-અલી-મુસ્તફા કરી દેશે.


નનકાના સાહિબ ગુરુ નાનકજીનું જન્મસ્થળ છે. સિરસાએ વડાપ્રધાન મોદીને અપીલ  કરી છે કે તે આ ઘટનાને ધ્યાનમાં લે. સિરસા દિલ્હી શીખ ગુરુદ્ધારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ પણ છે. સિરસાના મતે જે મોહમ્મદ હસને ગુરુદ્ધારા શ્રી નનકાના સાહિબની ગ્રંથીની દીકરી જગજીત કૌરનું અપહરણ કર્યું હતું તેણે ભીડનું નેતૃત્વ કર્યું હતું. આ ભીડે ગુરુદ્ધારાનો ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો.