UK PM Race: ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. દરમિયાન, કાર્યવાહક વડાપ્રધાન બોરિસ જોનસને સુનક વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. એક રિપોર્ટ અનુસાર, બોરિસ જોનસને શુક્રવારે તેમના સાથીઓને કહ્યુ હતું કે કોઈને પણ સમર્થન આપજો, પરંતુ ઋષિ સુનકને ન આપતા." શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા જોનસને 7 જુલાઈએ વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલમાં તેમના સ્થાને નેતાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.


સુનક બે રાઉન્ડના વોટિંગમાં આગળ છે. ગુરુવારે બીજા રાઉન્ડના મતદાનમાં તેમને સૌથી વધુ 101 મત મળ્યા હતા. પીએમ પદની રેસમાં તેમની સાથે વધુ ચાર ઉમેદવારો છે. બીજા રાઉન્ડના મતદાનમાં ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેનને સૌથી ઓછા 27 મત મળ્યા હતા. તે આ રેસમાંથી બહાર છે.


પેની મોરડુએન્ટને 83 વોટ, વિદેશ મંત્રી લિઝ ટ્રુસને 64, પૂર્વ મંત્રી કેમી બાડેનોકને 49 વોટ અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ટોમ ટુગેનડૈટને 32 વોટ મળ્યા હતા. પહેલા રાઉન્ડના મતદાનમાં સુનકને સૌથી વધુ 88 વોટ મળ્યા હતા. જ્યારે વાણિજ્યમંત્રી પેની મોરડુએન્ટને 67, લિઝ ટ્રુસને 50, કેમી બાડેનોકને 40, ટોમ તુગેન્દતને 37 અને સુએલા બ્રેવરમેનને 32 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો વચ્ચે આગામી પાંચ તબક્કાના મતદાન બાદ આગામી ગુરુવાર સુધી આ રેસમાં માત્ર બે નેતાઓ જ બચશે.


બોરિસ જોનસને શું કહ્યું?


'ધ ટાઈમ્સ' અખબારે અહેવાલ આપ્યો હતો કે બોરિસ પાર્ટીનું નેતૃત્વ મેળવવાની રેસ હારી ગયેલા નેતાઓને પૂર્વ નાણામંત્રી અને ચાન્સેલર સુનકને સમર્થન ન આપવા વિનંતી કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે  જોનસન વિદેશમંત્રી લિઝ ટ્રુસનું સમર્થન કરી રહ્યા છે. જોનસનના કેબિનેટ સાથીદારો જેકબ રીસ-મોગ અને નૈડીન ડોરીસ સિવાય અન્ય કોઇને પોતાનો ઉત્તરાધિકારી બનતો જોવા માંગતા નથી. દરમિયાન, જોનસનના એક સહાયકે એ દાવાને ફગાવી દીધો હતો કે જોનસન સુનક સિવાય અન્ય કોઇને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. જોકે તેમણે સ્વીકાર્યુ હતું કે જોનસન સુનકના વિશ્વાસઘાત કરવાથી નારાજ છે.