આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નવા નિર્ણયથી દેશમાં બહારથી આવનાર નવા H-1B વીઝાધારકો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જોકે, હાલમાં આ પ્રોગ્રામ અંતર્ગત પહેલાથી જ અમેરિકામાં નોકરી કરનારાઓને પર કોઈ અસર થવાની શક્યતા નથી. જોકે વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મામલે હાલમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને હાલમાં પ્રશાસન અનેક મુદ્દાઓ પર વિચાર કરી રહ્યું છે.
અમેરિકામાં H-1B પ્રોગ્રામ માટે સૌથી વધારે ભારતીય ટેક પ્રોફેશનલ્સ અરજી કરે છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી અમેરિકામાં નોકરીની આશા રાખનારા હજારો ભારતીયોને નિરાશા હાથ લાગે એવું છે. પહેલાથી જ ઘણી મોટી સંખ્યામાં અમેરિકામાં આ પ્રોગ્રામ અંતર્ગત કામ કરનારા ભારતીયોની નોકરી કોરોનાવાયરસ મહામારીને કારણે છૂટી ગઈ છે.
આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, H-1B વીઝા ઉપરાંત સીઝન વર્ક પ્રમાણે નાના ગાળા માટે આપવામાં આવતા H-2B વીઝા, કેમ્પ કાઉન્સલર્સ જેવા કામગારો માટે જનારા J-1 અને કંપનીમાં ઇન્ટરનલ ટ્રાન્સફર માટે આપવામાં આવનાર L-1 વીઝા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.