Pakistan Former Army Chief Qamar Javed Bajwa : પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) કમર જાવેદ બાજવા ભલે આ સમયે આર્મી ચીફ ન હોય પરંતુ તેઓ હંમેશા સમાચારમાં રહે છે. તાજેતરનો મામલો એક વીડિયોનો છે જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, વાદળી ટી-શર્ટ અને ગ્રે પેન્ટમાં સજ્જ બાજવા તેની પત્ની સાથે જોવા મળે છે. અહીં કોઈ વ્યક્તિ બાજવાની આબરૂના જાહેરમાં ધજાગરા ઉડાવતી નજરે પડી રહી છે. આ વ્યક્તિ બાજવાને ખૂબ જ ખરાબ રીતે ગાળો આપતા સાંભળી શકાય છે. બાજવા ગયા વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થયા હતા અને તેમના સ્થાને તેમના નજીકના સહયોગી જનરલ અસીમ મુનીરને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


'હું હવે આર્મી ચીફ નથી રહ્યો'


આ વીડિયો પાકિસ્તાની પત્રકાર વકાસે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કહ્યું છે કે, આ વીડિયો રવિવારનો છે અને ફ્રાન્સના એનસીનો છે જ્યાં બાજવા તેની પત્ની સાથે હાજર છે. વકાસે લખ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ બાજવા સાથે ખરાબ વર્તન કરવામાં આવે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વકાસે માંગ કરી છે કે, આ મુદ્દો ફ્રાન્સ સાથે રાજદ્વારી રીતે ઉઠાવવામાં આવે. વકાસના કહેવા પ્રમાણે, બાજવા તેમના પરિવાર સાથે અહીં રજાઓ ગાળવા આવ્યા છે અને આ સ્થિતિમાં તેમને એકલા છોડી દેવા જોઈએ.


બાજવાએ કહ્યું- પોલીસને બોલાવો


આ વીડિયોમાં એક વ્યક્તિ જે અફઘાનિસ્તાનનો હોવાનું દેખાઈ રહ્યું છે, બાર બાજવાને અફઘાનિસ્તાનમાં જેહાદ માટે જવાબદાર ઠેરવી રહ્યો છે. તેના પર બાજવાને એમ કહેતા સાંભળી શકાય છે કે, તેઓ હવે પાકિસ્તાનના આર્મી ચીફ નથી. બાજવા તે માણસને સલાહ આપે છે કે, તેણે પોલીસને બોલાવવી જોઈએ. તે વ્યક્તિ ફરી એકવાર એ જ વાત પર આવી જાય છે અને બાજવાને ખૂબ જ ગંદી ગાળો આપવા લાગે છે.




6 વર્ષ માટે આર્મી ચીફ


બાજવા પહેલીવાર નવેમ્બર 2016માં પાકિસ્તાનના આર્મી ચીફ બન્યા હતા. વર્ષ 2019માં તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધાર્યો હતો. ત્યાર બાદ તેઓ નવેમ્બર 2022માં 63 વર્ષની વયે પાકિસ્તાન આર્મીમાંથી નિવૃત્ત થયા હતા. બાજવા એવા સમયે નિવૃત્ત થયા જ્યારે દેશમાં આર્થિક અસ્થિરતા અને રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી. ઘણા લોકો તેમના કાર્યકાળને રાજકીય હસ્તક્ષેપ તરીકે જુએ છે. તેઓ માને છે કે બાજવાએ એવી રીતે હસ્તક્ષેપ કર્યો કે સેનામાં તિરાડ પડી.