નવી દિલ્હી: બાંગ્લાદેશના બ્રહ્મનબરિયા જિલ્લામાં મંગળવારે બે ટ્રેનો વચ્ચે ટક્કર થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નીપજ્યા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. ઘટનાને પગલે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ અને વડાપ્રધાન શેખ હસીનાએ દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી હતી.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના બપોરે 12 વાગ્યે થઈ હતી. મન્દોહબાગ સ્ટેશન પર ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનનો ટ્રેક બદલતી વખતે ઢાકા જઈ રહેલી તુર્ના નિશિતા ટ્રેન સાથે ટક્કર થઈ હતી. ઢાકા ટ્રિબ્યૂને પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે આ અકસ્માત લોકો માસ્ટરે સિગ્નલનું પાલન નહીં કરવાના કારણે થયો હતો.

પોલીસે જણાવ્યા અનુસાર, 12 યાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોની સંખ્યા વધી શકે છે.

રેલવે અધિકારીઓએ કહ્યું કે તેમણે તુર્ના નિશિતા ટ્રેનના ચાલક અને કંડક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે અને આ ઘટાની તપાસ માટે ચાર અલગ અલગ સમિતિના રચના કરવામાં આવી આવી છે.