Bangladesh Election: શેખ હસીના પાંચમી વખત બનશે બાંગ્લાદેશના વડાપ્રધાન, ચૂંટણીમાં બહુમત સાથે અવામી લીગ સત્તામાં
Bangladesh Election:બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ અને મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના બહિષ્કાર વચ્ચે રવિવારે મતદાન થયું હતું

Bangladesh Election: બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ અને મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના બહિષ્કાર વચ્ચે રવિવારે મતદાન થયું હતું. મતગણતરી દરમિયાન બાંગ્લાદેશ ચૂંટણી પંચે મોડી રાત્રે વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગને બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તા પર પાછા ફરવાની પુષ્ટી કરી હતી. આ સાથે શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે. સામાન્ય ચૂંટણી માટે લગભગ 40 ટકા મતદાન થયું હતું. શેખ હસીના સતત ચોથી વખત વડાપ્રધાન પદ સંભાળશે. તે 1996 થી 2001 સુધી પીએમ પણ રહ્યા હતા. હસીના (76) 2009થી સત્તામાં છે અને તેમની પાર્ટી અવામી લીગે પણ ડિસેમ્બર 2018માં છેલ્લી ચૂંટણી જીતી હતી. આ ચૂંટણીમાં તેઓ સતત ચોથી વખત અને કુલ મળીને પાંચમી વખત સત્તા પર આવશે તે પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવતું હતું. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 12મી સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત જીત મેળવી છે.
અવામી લીગના વડા શેખ હસીના ગોપાલગંજ-3 બેઠક પરથી આઠમી વખત સંસદમાં ચૂંટાયા હતા. 76 વર્ષીય હસીનાને 249,965 વોટ મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના એમ નિઝામુદ્દીન લશ્કરને માત્ર 469 વોટ મળ્યા. BD News24 ના અહેવાલ મુજબ. વર્ષ 2018માં લગભગ 80 ટકા મતદારોએ તેમના અધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. ગેરરીતિના કારણે સાત મતદાન મથકો પર મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે. ચટ્ટોગ્રામમાં પોલીસ અધિકારીને ધમકી આપવા બદલ ચૂંટણી પંચે સત્તાધારી પક્ષના ઉમેદવારની ઉમેદવારી રદ કરી છે. ઢાકાના હજારીબાગ અને ચટ્ટોગ્રામમાં મતદાન મથક પાસે બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં એક બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.
અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ...ભારત અમારો વિશ્વાસુ મિત્ર છેઃ હસીના
આ દરમિયાન પીએમ શેખ હસીનાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, અમે ઘણા ભાગ્યશાળી છીએ. ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. મુક્તિ યુદ્ધ (1971) દરમિયાન, વર્ષ 1975 પછી ભારતે અમારું સમર્થન કર્યું. જ્યારે અમે અમારા આખા પરિવારને ગુમાવ્યા - પિતા, માતા, ભાઈ, દરેક વ્યક્તિ (લશ્કરી બળવામાં) અને અમારામાંથી માત્ર બે જ (હસીના અને તેની નાની બહેન રીહાના) ) બચી ગયા અને ભારતે પણ અમને આશ્રય આપ્યો. તેથી અમે ભારતના લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ.
હસીના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર પ્રથમ મહિલા પીએમ છે.
શેખ હસીના જેમણે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં હતી, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહિલા વડા પ્રધાન છે. હસીનાએ અગાઉ 1996 થી 2001 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આ પછી તે 2009 થી અત્યાર સુધી દેશના વડા પ્રધાન છે. તે શ્રીલંકાના ભંડારનાયકે અને ભારતના ઈન્દિરા ગાંધી જેવી મહિલા નેતાઓથી ઘણા આગળ છે. હસીના સિવાય સિરીમાવો ભંડારનાયકે 17 વર્ષ 208 દિવસ, ઈન્દિરા ગાંધી 16 વર્ષ 15 દિવસ અને માર્ગારેટ થેચર 11 વર્ષ 208 દિવસ સુધી પીએમ રહી ચુક્યા છે.