બાંગ્લાદેશમાં અવારનવાર હિન્દૂ લોકો પર હુમલાઓની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા દિવસો પહેલાં જ હિન્દૂ મંદિર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો ત્યાર બાદ ઘણો હોબાળો થયો હતો. હવે બીજી એક આવી જ ઘટના સામે આવી છે જ્યાં એક હિન્દૂ મહિલાએ બિંદી લગાવતાં એક પોલીસ અધિકારીએ તેને માર માર્યો છે.


સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશના ઢાકાના તેજગાંવ કોલેજમાં થિયેટર અને મીડિયા સ્ટડીઝની લેક્ચરર લોટ સુમદ્દેરે આરોપ લગાવ્યો છે કે, શનિવારે સવારે તે જ્યારે કોલેજ કેમ્પસમાં જઈ રહી હતી ત્યારે તેણીએ માથા પર બિંદી લગાવી હતી. બિંદી લગાવી હોવાના કારણે એક પોલીસકર્મીએ તેને પરેશાન કરી હતી. 


આ મહિલા લેક્ચરર જ્યારે કોલેજ જઈ રહી હતી ત્યારે શેજન પોઈન્ટ શોપિંગ મોલ પાસે એક પોલીસકર્મી પોતાની બાઈક પર બેઠો હતો. જ્યારે આ મહિલા તેની પાસે પહોંચી ત્યારે પોલીસકર્મીએ તેને અપશબ્દો કહ્યા હતા. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો પોલીસકર્મીએ મહિલા પર હુમલો કરવાની કોશિશ કરી હતી અને મહિલા નીચે પડી ગઈ હતી. આ ઘટના બાદ મહિલાએ પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે. આ પોલીસકર્મીની બાઈકનો નંબર પણ આપ્યો છે. જો કે હજી સુધી આ પોલીસ કર્મચારીની ઓળખ નથી થઈ શકી. જો કે એક સિનિયર પોલીસ અધિકારીએ એ વાતની પુષ્ટી કરી છે કે, મહિલાને હેરાન કરનાર તે વ્યક્તિ પોલીસ કર્મચારી જ હતો.


આ ઘટના બાદ સમાજીક કાર્યકર્તાઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. તેમણે કથિત પોલીસ કર્મચારી સામે કાર્યવાહી માટે ધરપકડની માંગ કરી છે. સામાજીક કાર્યકરોએ ઢાકામાં આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પ્રખ્યાત અભિનેતા અને સાંસદ સુબરના મુસ્તફાએ પણ પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના વિરોધમાં મહિલાઓએ પોતાની બિંદી સાથેના ફોટો શેર કરીને વિરોધ દર્શાવ્યો હતો.