બ્રિટિશ પબ્લિક બ્રોડકાસ્ટર બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન) ના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવી અને ન્યૂઝ ઓપરેશન્સના ચીફ એક્ઝિક્યુટિવ ડેબોરાહ ટર્નેસે રવિવારે રાજીનામું આપ્યું હતુ. આ પગલું એવા આરોપો પછી લેવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ વોશિંગ્ટનમાં યુએસ કેપિટલ પર પ્રદર્શનકારીઓના હુમલા અગાઉ આપવામાં આવેલા ભાષણને એડિટ કરીને પ્રસારિત કરવાનો આરોપ લાગ્યો છે. જેમાં બીબીસી પર દર્શકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો છે. બીબીસી પર નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળ રહેવાના અસંખ્ય આરોપોનો સામનો કરવો પડ્યો છે, જેમાં ટ્રમ્પના કવરેજ, ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને ટ્રાન્સજેન્ડર મુદ્દાઓ પર રિપોર્ટિંગનો સમાવેશ થાય છે.
ટ્રમ્પની સ્પીચનો વિવાદ શું છે?
ધ ટેલિગ્રાફ અખબારને મળેલા એક વ્હિસલબ્લોઅર મેમો અનુસાર, બીબીસીના મુખ્ય ઈન્વેસ્ટિગેટિવ પ્રોગ્રામ પેનોરમામાં દર્શાવવામાં આવેલા ટ્રમ્પના ભાષણના બે અલગ અલગ ભાગોને એડિટ કરીને જોડવામાં આવ્યા છે. મૂળ ભાષણમાં ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે કેપિટલ તરફ કૂચ કરીશું અને ત્યાં આપણા સાહસી સેનેટરો અને કોંગ્રેસના સભ્યોનું સમર્થન કરીશું." પરંતુ એડિટેડ ક્લિપમાં તેને બદલીને, તેને "અમે કેપિટલ તરફ કૂચ કરીશું. હું તમારી સાથે રહીશ અને આપણે લડીશું, નર્કની જેમ લડીશું."
બીબીસીએ પોતાના પ્રોગ્રામમાં ટ્રમ્પના ભાષણના કેટલાક હિસ્સાઓને એ રીતે રજૂ કર્યા હતા જેને સાંભળીને એવું લાગે કે તેઓ તોફાનીઓને યુએસ કેપિટલ પર હુમલો કરવા માટે ઉશ્કેરી રહ્યા હતા. જ્યારે તેમણે પોતાના ભાષણમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પણ અપીલ કરી હતી. બીબીસીએ 2024ની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રીલિઝ કરવામાં આવેલી એક ડોક્યુમેન્ટરીમાં આ એડિટેડ ભાષણ દર્શાવ્યું હતું.
ધ ટેલિગ્રાફ અખબારને મળેલા મેમોને બીબીસી એડિટોરિયલ સ્ટાન્ડર્ડ્સના ભૂતપૂર્વ સલાહકાર માઈકલ પ્રેસ્કોટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે તેમાં બીબીસી અરેબિક પર ગાઝા યુદ્ધ કવરેજમાં ઇઝરાયલ વિરોધી પક્ષપાત અને ટ્રાન્સજેન્ડર મુદ્દાઓ પર મુશ્કેલ સવાલો ધરાવતી સ્ટોરીઝને દબાવવાનો પણ આરોપ મૂક્યો. બીબીસી ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યા પછી સ્ટાફને આપેલા સંદેશમાં, ટિમ ડેવીએ કહ્યું હતું કે, "આ સંપૂર્ણપણે મારો વ્યક્તિગત નિર્ણય છે. બોર્ડે મારા કાર્યકાળ દરમિયાન મને ટેકો આપ્યો." બીબીસી સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ કેટલીક ભૂલો થઈ છે અને ડિરેક્ટર જનરલ તરીકે મારે તેમની જવાબદારી લેવી જોઈએ.
બીબીસી ન્યૂઝ ઓપરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ડેબોરાહ ટર્નેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "ભૂલો કરવામાં આવી છે, પરંતુ બીબીસી ન્યૂઝ પર સંસ્થાકીય પક્ષપાતના આરોપો ખોટા છે. પેનોરમા કૌભાંડે સંસ્થાને નુકસાન પહોંચાડ્યું છે, તેથી હું મારા પદ પરથી રાજીનામું આપી રહી છું." તેણી 2022થી બીબીસીના ન્યૂઝ ઓપરેશનનું નેતૃત્વ કરી રહી હતી અને તેના પ્રીમિયમ શો "પેનોરમા" માં દેખાતા કન્ટેન્ટ માટે જવાબદાર હતા. બીબીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે "પેનોરમા" અને અન્ય વર્તમાન બાબતોના કાર્યક્રમોની એડિટોરિયલ પ્રેક્ટિસની સમીક્ષા કરવામાં આવશે. બીબીસીના ચેરમેન સમીર શાહ આજે યુકે સંસદમાં આ ભૂલ માટે માફી માંગશે.
બીબીસી પર ટ્રમ્પનો આકરો હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથઆઉટ સોશિયલ પરની એક પોસ્ટમાં તેમના એડિટેડ ભાષણને પ્રસારિત કરવા બદલ બીબીસીની તીવ્ર ટીકા કરી હતી. તેમણે લખ્યું, "ટીમ ડેવી સહિત બીબીસીના ટોચના લોકો નોકરી છોડી રહ્યા છે અથવા કાઢવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે 6 જાન્યુઆરી, 2021ના મારા સંપૂર્ણ ભાષણમાં ફેરફાર કરતા પકડાયા છે. આ ભ્રષ્ટ પત્રકારોને ખુલ્લા પાડવા બદલ ધ ટેલિગ્રાફનો આભાર. આ ખૂબ જ અપ્રમાણિક લોકો છે જેમણે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ એવા દેશમાંથી આવે છે જેને આપણે આપણો નંબર વન સાથી માનીએ છીએ. આ લોકશાહી માટે એક ભયંકર ઘટના છે." વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બીબીસીને "100 ટકા ફેક ન્યૂઝ " અને "લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા મશીન" ગણાવ્યું.