Asteroid Near Earth: પૃથ્વી માટે અવકાશમાંથી એક મોટું જોખમ આવી રહ્યું છે. નાસાએ ચેતવણી આપી છે કે એક ક્ષુદ્રગ્રહ આપણા ગ્રહની નજીક આવી રહ્યો છે. તેનું નામ 2024 MT 1 છે. 65215 કિમી પ્રતિ કલાકની ઝડપે તે આશ્ચર્યજનક ગતિથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. આ ક્ષુદ્રગ્રહ લગભગ 260 ફૂટના વ્યાસનો છે. 8 જુલાઈ 2024ના રોજ પૃથ્વીની સૌથી નજીક પહોંચવાની અપેક્ષા છે. ક્ષુદ્રગ્રહ 2024 MT1નો પત્તો નાસાએ પ્રથમ વખત નિયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા લગાવ્યો હતો. આ પ્રોગ્રામ પૃથ્વીની નજીક આવતા ક્ષુદ્રગ્રહો અને ધૂમકેતુઓને ટ્રેક કરે છે.


આ વસ્તુઓની નિગરાની માટે જમીન આધારિત દૂરબીનો અને રડાર સિસ્ટમોના એક નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. 2024 MT 1ની શોધથી તેના કદ અને ગતિને કારણે ચિંતા વધી ગઈ છે. જોકે નાસાએ આશ્વાસન આપ્યું છે કે પૃથ્વી સાથે તેના અથડામણનો તાત્કાલિક કોઈ ખતરો નથી. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) દ્વારા ક્ષુદ્રગ્રહના માર્ગની બારીકાઈથી નિગરાની કરવામાં આવી છે. JPLનું ક્ષુદ્રગ્રહ વોચ ડેશબોર્ડ ક્ષુદ્રગ્રહની સ્થિતિ, ગતિ અને પૃથ્વીથી અંતર પર રીયલ ટાઈમ ડેટા આપે છે. JPL અનુસાર 2024 MT 1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિમીના અંતરેથી પસાર થશે. જે પૃથ્વી અને ચંદ્રના અંતર કરતા ચાર ગણું વધારે છે.


આ કદના ક્ષુદ્રગ્રહો જોખમકારક માનવામાં આવે છે. કારણ કે જો તે પૃથ્વી સાથે અથડાય તો મોટું નુકસાન કરી શકે છે. 2024 MT1 જેવા ક્ષુદ્રગ્રહની અસરથી મોટા પાયે વિનાશ થઈ શકે છે. તે મોટા પાયે વિસ્ફોટ, આગ અને સુનામી લાવી શકે છે. જોકે નાસાનું પ્લેનેટરી ડિફેન્સ કોઓર્ડિનેશન ઓફિસ (PDCO) આવા જોખમોને ઘટાડવાની વ્યૂહરચનાઓ પર સક્રિયપણે કામ કરી રહ્યું છે. PDCO એવી ટેકનોલોજી બનાવવામાં લાગેલું છે જે આ જોખમોને રોકી શકે.


ક્ષુદ્રગ્રહના જોખમોનો સામનો કરવા માટે નાસાનું DART મિશન મહત્વપૂર્ણ રહ્યું છે. આ મિશન હેઠળ એક ઉલ્કાપિંડ સાથે અવકાશયાનની ટક્કર કરાવવામાં આવી હતી. નવેમ્બર 2021માં આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2022માં તે ક્ષુદ્રગ્રહ ડિમોર્ફોસ સાથે અથડાયું હતું. 2024 MT1ની શોધથી ખગોળવિદો વચ્ચે રસ જાગ્યો છે. વિશ્વભરની વેધશાળાઓ ક્ષુદ્રગ્રહ નજીક પહોંચે ત્યારે તેના ચિત્રો અને ડેટા કેપ્ચર કરવાની તૈયારી કરી રહી છે.