India USA MQ-9B Drones Contract: ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડેટર ડ્રૉન ખરીદશે. બંને દેશો વચ્ચે આ ડીલ પર સહમતિ બની છે. મંગળવારે નવી દિલ્હીમાં બંને દેશોના પ્રતિનિધિઓએ આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.


એકવાર આ ડીલ ફાઈનલ થઈ ગયા બાદ ભારતને ટૂંક સમયમાં અમેરિકન કૉમ્બેટ ડ્રૉન 'MQ-9B' મળશે. આ ડ્રૉન જમીનથી માત્ર 250 મીટરની ઊંચાઈએ ઉડીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે અને આ દરમિયાન લક્ષ્યાંકને તેના આવવાની જાણ થતી નથી. વળી, જો આપણે લાંબા અંતરની વાત કરીએ તો, આ અમેરિકન ડ્રૉન 50 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ ઉડી શકે છે. તેની મહત્તમ ઝડપ 442 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું કહેવાય છે. ઉંચાઈ પર ઉડવાનો બીજો ફાયદો એ છે કે જો ડ્રોનને વધુ ઊંચાઈ પર ઉડાડવામાં આવે તો તે ભારતની સરહદમાં રહીને પણ પાકિસ્તાન કે ચીનના આંતરિક વિસ્તારોમાં થતી ગતિવિધિ જોઈ શકશે.


આ અત્યાધુનિક ડ્રૉનને અંદાજે 1,700 કિલોગ્રામ વજન સાથે ઉડાવી શકાય છે, જેમાં 4 મિસાઈલ અને અંદાજે 450 કિલોગ્રામનો બૉમ્બ સામેલ છે. તેની રેન્જ 3,218 કિલોમીટર છે. તેની બીજી ખાસિયત એ છે કે આ ડ્રૉન 35 કલાક સુધી સતત ઉડી શકે છે. ભારતે આ પ્રિડેટર ડ્રૉન ખરીદવા માટે મંગળવારે નવી દિલ્હીમાં યુએસ સાથે સત્તાવાર ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.


આ દરમિયાન ભારતના સંરક્ષણ સચિવ ગિરધર ેઅરમાને પણ હાજર હતા. આ ઘાતક ડ્રૉન મળ્યા બાદ ભારતની સૈન્ય શક્તિ વધશે. આ સાથે સરહદ પર ભારતીય સુરક્ષા દળો ચીન અને પાકિસ્તાન સાથે વધુ મજબૂતીથી મુકાબલો કરી શકશે.


જાણકારી અનુસાર આ ડીલની કિંમત 32 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ ઘાતક ડ્રૉન લાંબા સમય સુધી ઊંચાઈ પર ઉડવા માટે સક્ષમ છે. તેનો ઉપયોગ સર્વેલન્સ, ગુપ્ત માહિતી એકત્ર કરવા અને દુશ્મનના લક્ષ્યો પર હુમલો કરવા માટે થઈ શકે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે આ વિષય પર વાત કરી હતી. હવે નવી દિલ્હીમાં થયેલી આ ડીલ મુજબ અમેરિકન ડ્રૉન મેન્યૂફેક્ચરિંગ કંપની જનરલ એટોમિક્સ ભારતમાં ડ્રૉનની જાળવણી અને સમારકામ માટે કેન્દ્ર ખોલશે. આ માટે ભારતે અમેરિકા સાથે કરાર પણ કર્યો છે.


સંરક્ષણ નિષ્ણાતો તેને ખૂબ જ શક્તિશાળી ડ્રૉન માને છે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ ગયા અઠવાડિયે જ અમેરિકા પાસેથી MQ-9B ડ્રૉન ખરીદવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ નિષ્ણાતોના મતે નૌકાદળને અમેરિકા પાસેથી ખરીદવામાં આવી રહેલા આમાંથી 15 ડ્રૉન મળી શકે છે. સાથે જ એરફૉર્સ અને આર્મીને 8-8 ડ્રૉન મળશે. આ ડ્રૉનને ચેન્નાઈ નજીક INS રાજલી, ગુજરાતના પોરબંદર, ઉત્તર પ્રદેશના સરસાવા ગોરખપુર ખાતે તૈનાત કરી શકાય છે.


સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, આ સાથે આ માનવરહિત એરક્રાફ્ટનો ઉપયોગ એરબોર્ન અર્લી વોર્નિંગ, ઈલેક્ટ્રોનિક વૉરફેર, એન્ટી સરફેસ વૉરફેર અને એન્ટી સબમરીન વૉરફેરમાં કરી શકાય છે. આ અમેરિકન ડ્રૉનની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ કોઈપણ પ્રકારના હવામાનથી પ્રભાવિત થયા વિના એક સમયે લગભગ ત્રીસથી ચાલીસ કલાક સુધી ઉડી શકે છે.
જીસીબી/એબીએમ 


આ પણ વાંચો


ભારત શા માટે તેના મિત્ર ઇઝરાયેલ પર ગુસ્સે થયું? 34 દેશો પણ સાથે આવ્યા