China Lockdown Protest: ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતા કડક નિયંત્રણો સામે દેશભરમાં દેખાવો ઉગ્ર બન્યા છે. ચીનમાં પ્રદર્શનકારીઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે બ્લેન્ક પેપરનો ઉપયોગ કરી રહ્યા છે. બ્લેન્ક પેપરની શીટ આ પ્રદર્શનનું સિમ્બોલ  બની છે. વિરોધ કરવાની આ રીત હવે રસ્તાઓથી લઈને દેશની મોટી યુનિવર્સિટીઓ સુધી પહોંચી ગઈ છે.


સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે જેમાં નાનજિંગ અને બેઇજિંગ સહિત અનેક શહેરોની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન માટે હાથમાં કોરા કાગળની શીટ્સ પકડીને જોવા મળી રહ્યા છે. ચીન હજુ પણ તેની કડક ઝીરો કોવિડ નીતિનું પાલન કરી રહ્યું છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને રવિવારે (27 નવેમ્બર) માત્ર 40,000 નવા કેસ નોંધાયા છે. દેશમાં સતત ચોથા દિવસે સંક્રમણના કેસમાં વધારો થયો છે. એપ્રિલમાં શાંઘાઈ જેવા મોટા શહેરોમાં કેસમાં થયેલા ઉછાળા પછી આ આંકડો સૌથી વધુ છે.


ઉરુમકીમાં અકસ્માત બાદ વિરોધ ઉગ્ર બન્યો


ચીનના ઉરુમકી શહેરમાં થયેલા અકસ્માત બાદ આ પ્રદર્શનોએ જોર પકડ્યું છે. ગુરુવારે ઉરુમકીમાં લોકડાઉન દરમિયાન એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં દસ લોકો માર્યા ગયા હતા, જેના કારણે સપ્તાહના અંતે વ્યાપક વિરોધ થયો હતો. અહીં કેટલાક લોકો ઘરમાં બંધ હતા. એવી અટકળો વહેતી થઈ હતી કે કોવિડ લોકડાઉનને કારણે લોકોના ઘરને તાળાં મારી દેવામાં આવ્યા હતા જેથી આગ લાગી ત્યારે તેઓ બહાર નીકળી શક્યા નહીં.


બ્લેન્ક પેપર સાથે વિરોધ કર્યો


સાક્ષીઓ અને વીડિયો અનુસાર, શનિવારની મોડી રાત્રે શાંઘાઈમાં ઉરુમકી પીડિતો માટે કેન્ડલ લાઈટ માર્ચ યોજવા માટે એકઠા થયેલા ટોળાએ પણ તેમના હાથમાં બ્લેન્ક પેપર પકડ્યું  હતું. પ્રતિબંધોને કારણે મુકવામાં આવેલા બેરિકેડ્સને કારણે આગ વધુ વણસી ગઈ હતી, જેમાં ઘણાએ આરોપ લગાવ્યો હતો કે ઈમરજન્સી ક્રૂને આગ ઓલવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો, પરંતુ અધિકારીઓએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ઈમારતમાં કોઈ બેરિકેડ લગાવવામાં આવ્યા નથી. રહેવાસીઓને જવા દેવામાં આવ્યા હતા.


હોંગકોંગ અને મોસ્કોમાં પણ આવા જ દેખાવો થયા હતા.


વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે શનિવારનો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં પૂર્વી ચાઇનીઝ શહેર નાનજિંગમાં યુનિવર્સિટી ઓફ કોમ્યુનિકેશન્સના પગથિયાં પર કાગળનો ટુકડો પકડીને એકલી સ્ત્રીને બતાવવામાં આવી છે. જે બાદ એક અજાણ્યો વ્યક્તિ મહિલા પાસે આવે છે અને પેપર છીનવી લે છે. 2020 હોંગકોંગના વિરોધમાં કાર્યકરોએ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ પ્રતિબંધિત સૂત્રોને ટાળવા માટે વિરોધ કરવા માટે બ્લેન્ક કાગળનો પણ ઉપયોગ કર્યો હતો. યુક્રેન સાથે રશિયાના યુદ્ધનો વિરોધ કરવા માટે આ વર્ષે મોસ્કોમાં વિરોધીઓ દ્વારા બ્લેન્ક પેપર શીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


ચીનમાં આવા પ્રદર્શન ભાગ્યે જ જોવા મળે છે. ચીનના સોશિયલ મીડિયા અને ટ્વિટર પર ઉપલબ્ધ કેટલાક વીડિયોમાં લોકો શાંઘાઈ સહિત ઘણી જગ્યાએ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા અને શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) અને દેશના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વીડિયોમાં વિવિધ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ લોકડાઉનનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.