કોલંબોઃ શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 262 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાં 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના રોયટર્સના દાવા મુજબ, આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.

શ્રીલંકામાં 8 શ્રેણીબદ્ધ બોમ્બ ધમાકામાંથી એકને અંજામ આપનાર આત્મઘાતી હુમલાખોર બ્લાસ્ટ પહેલા નાશ્તા માટે હોટલની કેન્ટીનમાં લાઈનમાં ઉભો હતો. સિનામો ગ્રેન્ડ હોટલનાં એક અદિકારીએ જણાવ્યું હતું કે, હુમલાખોર મોહમ્મદ અજ્જામ મોહમ્મદ એક રાત પહેલાં જ અહીં રોકાયો હતો.

હોટલનાં મેનેજરે જણાવ્યું હતું કે, તે આંતકી રેસ્ટોરેન્ટમાં ઈસ્ટરની સવારે નાશ્તાની લાઈનમાં સૌથી આગળ આવીને ઊભો રહ્યો હતો ત્યાર બાદ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. મેનેજરે નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, તે વખતે ઘણી ભીડ હતી. આ હુમલામાં હોટલના એક કર્મચારીનું પણ મોત નિપજ્યું હતું, જે લોકોને બ્રેકફાસ્ટ પીરસવાનાં કામમાં લાગ્યો હતો.

આ હોટલમાં વીકેન્ડ પર મોટા પ્રમાણમાં ભીડ જામે છે. મેનેજરે જણાવ્યું કે, તેણે હાથમાં પ્લેટ પકડી રાખી હતી અને જ્યારે તેને નાશ્તો પીરસવાનો હતો ત્યારે તેણે આ વિનાશકારી હુમલાને અંજામ આપ્યો.