નવી દિલ્હીઃ બ્રિટનમાં શુક્રવારે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક વલણોમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનની કન્ઝરર્વેટિવ પાર્ટીએ બહુમતીની આંકડા (326)ને પાર કર્યો છે. જોકે, વિપક્ષી પાર્ટી લેબર પાર્ટી પણ 200 બેઠકો જીતવાની નજીક છે.

વડાપ્રધાન મોદીએ કન્ઝરર્વેટિવ પાર્ટીને જીત બદલ અભિનંદન આપ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન બોરિસ જ્હોનસનને પ્રચંડ બહુમત સાથે પાછા ફરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હું તેમને શુભકામના પાઠવું છું  અને ભારત અને બ્રિટનના સંબંધો માટે સાથે મળીને કામ કરવા માટે તત્પર છું. બ્રિટનની કન્ઝરર્વેટિવ પાર્ટી ફરીથી સત્તા પર આવવાની આશાઓ દેખાતા પાઉન્ડ સ્ટલિંગે ગુરુવારે લગભગ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. બ્રિટનના એક્ઝિટ પોલમાં પણ વડાપ્રધાન બોરિસનની પાર્ટી કન્ઝરર્વેટિવ પોતાના દમ પર બહુમતી હાંસલ કરશે તેવી ભવિષ્યવાણી કરાઇ હતી.


 આ સાથે પાઉન્ડે ડોલરની સરખામણીએ લગભગ બે ટકાની છલાંગ લગાવી હતી. યુરોની સરખામણીએ પાઉન્ડમાં 1.6 ટકાની તેજી જોવા મળી હતી. વડાપ્રધાન બોરિસે શરૂઆતના પરિણામો બાદ ટ્વિટ કરી જીત પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, યુકે દુનિયાનું સૌથી મહાન લોકતંત્ર છે. જેમણે પણ અમારા માટે મતદાન કર્યું છે એ બધાનો હું આભાર માનું છું.