નવી દિલ્હીઃનાગરિકતા કાયદાને લઇને ચાલી રહેલા વિરોધ વચ્ચે જાપાનના વડાપ્રધાન શિંઝો એબેએ ભારતનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ રવિવારે ભારત આવવાના હતા અને ગુવાહાટીમાં શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જાપાની વડાપ્રધાનના પ્રવાસ રદ થવાની પુષ્ટી કરતા કહ્યું કે, બંન્ને પક્ષોમાં ભવિષ્યમાં આ કાર્યક્રમને લઇને સહમતિ બની છે. નોંધનીય છે કે નાગરિકતા કાયદાને લઇને પૂર્વોત્તરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે અને આસામમાં હિંસક તોફાનો થયા છે.
આ અગાઉ જાપાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, જાપાનના વડાપ્રધાન શિંઝો એબે ભારતનો પ્રવાસ સુરક્ષાના કારણોસર રદ કરી શકે છે. નોંધનીય છે કે 15થી17 ડિસેમ્બર વચ્ચે યોજાનારી શિખર સંમેલનમાં ગુવાહાટીમાં વિરોધ પ્રદર્શન વચ્ચે તૈયારીઓ ચાલી રહી હતી. વડાપ્રધાન મોદી જાપાની વડાપ્રધાન સાથે આ શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા. નાગરિકતા કાયદાના વિરોધમાં ગુવાહાટીમાં ભારે પ્રદર્શન થઇ રહ્યું છે.
નાગરિકતા સંશોધન કાયદાને લઇને પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં તણાવપૂર્ણ સ્થિતિ છે. આસામમાં સ્કૂલો અને કોલેજોમાં 22 ડિસેમ્બર સુધી રજા આપી દેવાઇ છે. પ્રદર્શનકારીઓએ ગુરુવારે મુસાફરો ભરેલી એક ટ્રેનમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.