BRICS Business Forum: દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. ટૂંક સમયમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં 100થી વધુ યુનિકોર્ન છે.






પીએમ મોદીએ કહ્યું હતું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે દસ વર્ષમાં આપણા આર્થિક સહયોગને વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, “જ્યારે 2009માં પ્રથમ બ્રિક્સ સમિટ યોજાઈ હતી, ત્યારે વિશ્વ મોટા આર્થિક સંકટમાંથી બહાર આવી રહ્યું હતું. આ સમય દરમિયાન બ્રિક્સ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું હતું.


તેમણે કહ્યું હતું કે "કોવિડ મહામારી,  તણાવ અને વિવાદો વચ્ચે વિશ્વ આર્થિક પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં બ્રિક્સ દેશોની પણ મહત્વની ભૂમિકા છે. વૈશ્વિક અર્થતંત્રમાં ઉથલપાથલ બાદ પણ ભારત આજે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનો દેશ બનશે.


ગ્રોથ એન્જિન બનશે - પીએમ મોદી


પીએમ મોદીએ કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે ભારત આવનારા વર્ષોમાં વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે કારણ કે આપણે આપત્તિ અને મુશ્કેલીઓના સમયને આર્થિક સુધારાની તકોમાં ફેરવી દીધું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે મિશન મોડમાં જે ફેરફારો કર્યા છે તેના પરિણામે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અમે રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ પાથરી છે.


ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો ઉલ્લેખ કર્યો


પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં કરોડો લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ રીતે 360 અબજ ડોલરથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેનાથી પારદર્શિતા વધી અને ભ્રષ્ટાચાર ઓછો થયો.


તેમણે કહ્યું કે ભારતમાં આજે UPIનો ઉપયોગ સ્ટ્રીટ વેન્ડરથી લઈને મોટા શોપિંગ મોલ સુધી થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ ટ્રાજેક્શન ધરાવતો દેશ છે. UAE, ફ્રાન્સ અને સિંગાપોર જેવા દેશો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. બ્રિક્સ દેશો સાથે પણ આના પર કામ કરવાની ઘણી શક્યતાઓ છે. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણને કારણે દેશનો માહોલ બદલાઈ રહ્યો છે. અમે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 120 બિલિયન ડોલરની જોગવાઈ રાખી છે.